New Delhi News/ આયુષ્માન કાર્ડની લિમિટ 5 લાખથી વધારી 10 લાખ કરવાની ભલામણ

સરકારી આંકડા મુજબ જૂન 2026 સુધીમાં 43.52 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ (Ayushman Card)જારી કરવામાં આવ્યા છે

Top Stories India
સરકારી આંકડા મુજબ જૂન 2026 સુધીમાં 43.52 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ (Ayushman Card)જારી કરવામાં આવ્યા છે

New Delhi News : દેશની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) સાથે જોડાયેલા કરોડો લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિએ કેન્દ્ર સરકારને યોજનાનું વાર્ષિક આરોગ્ય વીમા કવર (Health Insurance)પ્રતિ પરિવાર ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવાની ભલામણ કરી છે.

સમિતિના મત મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ગંભીર અને જટિલ બીમારીઓની સારવારનો ખર્ચ ઝડપથી વધ્યો છે. હાર્ટ સર્જરી, અંગ પ્રત્યારોપણ, કેન્સરની અદ્યતન સારવાર અને અન્ય વિશેષ સારવારમાં અનેક વખત ખર્ચ હાલની વીમા મર્યાદા કરતાં વધુ થઈ જાય છે. પરિણામે ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને પોતાની ખિસ્સામાંથી મોટી રકમ ચૂકવવી પડે છે.

સારવારનો વધતો ખર્ચ ચિંતાનો વિષય

172મા અહેવાલમાં સમિતિએ જણાવ્યું છે કે નવી તબીબી ટેકનોલોજી, આધુનિક સારવાર પદ્ધતિઓ, લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવાની જરૂરિયાત અને ક્રોનિક બીમારીઓના વધતા કેસોને કારણે આરોગ્ય ખર્ચ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં હાલનું ₹5 લાખનું કવર અનેક ગંભીર સારવાર માટે પૂરતું નથી.

આયુષ્માન ભારત યોજના શું છે?

કેન્દ્ર સરકારે (Central Government)વર્ષ 2018માં શરૂ કરેલી આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને દેશભરની નોંધાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. સારવારનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જેથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત મળે.

અત્યાર સુધી કેટલા કાર્ડ જારી થયા?

સરકારી આંકડા મુજબ જૂન 2026 સુધીમાં 43.52 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ (Ayushman Card)જારી કરવામાં આવ્યા છે. યોજનાનો હેતુ કરોડો પાત્ર નાગરિકોને આરોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો પણ સામેલ છે.

10 લાખનું કવર મળશે તો શું ફાયદો?

જો કેન્દ્ર સરકાર સમિતિની ભલામણ સ્વીકારશે તો પ્રતિ પરિવાર વાર્ષિક વીમા કવર ₹10 લાખ થઈ જશે. તેનાથી મોંઘી સારવાર દરમિયાન દર્દીઓના ખિસ્સામાંથી થતો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મેળવવામાં મોટી મદદ મળશે.

હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી

મહત્વની વાત એ છે કે હાલમાં ₹10 લાખના કવર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ માત્ર સંસદીય સ્થાયી સમિતિ (Parliament Committee)ની ભલામણ છે. હવે કેન્દ્ર સરકાર (Central Government)આ સૂચન પર વિચાર કર્યા બાદ અંતિમ નિર્ણય જાહેર કરશે.


આ પણ વાંચો : PMJAY-MA યોજના: આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ

આ પણ વાંચો : જૂનાગઢમાં PMJAY કાંડ: 76 ગેરકાયદે ઓપરેશનનો ખુલાસો, KJ હોસ્પિટલ પર દંડ

આ પણ વાંચો : ખોટી રીતે સ્ટેન્ડ બેસાડી જામનગરની હોસ્પિટલે PMJAYના 42 લાખ મંજૂર કર્યાં, 35 દર્દીઓનું ખોટું ઓપરેશન કર્યું