Junagadh News: ગુજરાતમાં ફરી એકવાર આરોગ્ય ક્ષેત્રને હચમચાવી નાખે એવો ઓપરેશન કાંડ સામે આવ્યો છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી હવે જૂનાગઢની KJ હોસ્પિટલ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ ગેરરીતિઓ કરીને 76 દર્દીઓના ઓપરેશન મંજૂરી વગર કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે હોસ્પિટલ પર ₹12.50 લાખનો દંડ ફટકાર્યો છે અને શો-કોઝ નોટિસ પણ પાઠવી છે.
PMJAY અંગે શું છે સમગ્ર મામલો?
આરોગ્ય વિભાગ અને ઇન્સ્યોરન્સ કંપનીના ઓડિટ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલ દ્વારા ડિસેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 દરમિયાન 76 સર્જરી ક્લેમ દાખલ કરવામાં આવ્યા હતા. આ સર્જરીઓ ડૉ. શ્રીનિવાસ કુમારનના નામે દર્શાવવામાં આવી હતી, જ્યારે તેઓ ડિસેમ્બર 2024 પછી હોસ્પિટલ સાથે સંકળાયેલા જ નહોતા. તપાસમાં ખુલ્યું કે આ સર્જરીઓ વાસ્તવમાં ડૉ. એસ. દિનેશ દ્વારા કરવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન ડૉ. દિનેશ પાસે મેડિકલ કાઉન્સિલનું માન્ય રજીસ્ટ્રેશન નહોતું અને તેઓ PMJAY પોર્ટલ પર અધિકૃત ડૉક્ટર તરીકે નોંધાયેલા પણ નહોતા.

ઘૂંટણના ઓપરેશનમાં પણ નિયમોનો ભંગ
ઓડિટમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી કે હોસ્પિટલ દ્વારા એક જ દિવસમાં ત્રણથી વધુ ઘૂંટણના રિપ્લેસમેન્ટ ઓપરેશન દર્શાવવામાં આવ્યા હતા. નિયમો મુજબ એક ઓર્થોપેડિક સર્જન દિવસમાં ત્રણથી વધુ ઘૂંટણ રિપ્લેસમેન્ટ (Knee Replacement) સર્જરી કરી શકતો નથી. આ સર્જરીઓ ડૉ. નૈતિક છત્રાલાના નામે દાખલ કરવામાં આવી હતી, જેના કારણે આરોગ્ય વિભાગે હોસ્પિટલને અલગથી શો-કોઝ નોટિસ ફટકારી છે.
₹1.25 કરોડના ક્લેમ સામે 10% દંડ
આ 76 કેસોના કુલ ક્લેમની રકમ અંદાજે ₹1.25 કરોડ હોવાનું સામે આવ્યું છે. જેના આધારે આરોગ્ય વિભાગે હોસ્પિટલને ₹12,50,487 નો દંડ ફટકાર્યો છે. હોસ્પિટલને સાત દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશ અપાયો છે.
હોસ્પિટલ સસ્પેન્ડ કેમ નહીં?
આ સમગ્ર કાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે 76 ગેરકાયદેસર ઓપરેશન થયા હોવા છતાં હોસ્પિટલને માત્ર દંડ કરીને કેમ છોડી દેવામાં આવી? આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં ફરી આવી ગેરરીતિ થશે તો હોસ્પિટલને સસ્પેન્ડ અથવા ડી-એમ્પેનલ્ડ કરવામાં આવશે. પરંતુ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી રાજ્ય સરકારે કડક મોનિટરિંગ અને દરેક સર્જરીની તપાસની જાહેરાત કરી હતી, ત્યારે જૂનાગઢમાં આટલો મોટો કાંડ કેવી રીતે થયો?
આરોગ્ય વિભાગ સામે પણ ઉઠ્યા પ્રશ્નો
આ કેસ પછી હવે આરોગ્ય વિભાગની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
શું દર્દીઓની સર્જરી પહેલાં યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી?
ગાંધીનગર સ્તરે મોનિટરિંગની જાહેરાતો માત્ર કાગળ પર જ રહી ગઈ?
PM-JAY યોજના ગરીબોની સારવાર માટે છે કે કેટલીક હોસ્પિટલો માટે કમાણીનું સાધન બની રહી છે?
આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગની કામગીરી અને PMJAY યોજનાની પારદર્શિતાને લઈને ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો:JCC PMJAY કૌભાંડ: ડૉ. પાર્શ્વ વોરાએ ડેટા કર્યો ડિલીટ, ગેરરીતિને લઈને મોટો ખુલાસો
આ પણ વાંચો:PMJAY યોજનામાં ગેરરીતિ બદલ મધ્ય ગુજરાતની 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી
