અમરેલીઃ કોંગ્રેસને સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં ફટકો પડ્યો છે તો અમરેલીમાં જેનીબેન ઠુમરનું ફોર્મ મંજૂર થતાં રાહત મળી છે. ભાજપે તેમના પર સાચી મિલકત ન બતાવવાનો આરોપ લગાવ્યો હતો. તેના પગલે આજે અમરેલીના ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષોની સુનાવણી થઈ હતી. ચૂંટણી અધિકારીએ ભાજપ અને કોંગ્રેસની દલીલો સાંભળ્યા બાદ જેનીબેન ઠુમ્મરનું ફોર્મ મંજૂર કર્યું હતું. જેનીબેન ઠુમ્મરનું ફોર્મ મંજૂર થતાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલશ કુંભાણીુંના હાઇવોલ્ટેજ ડ્રામા પછી તેમનું ફોર્મ રદ થઈ ગયું છે. આના પગલે કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગઈ છે. તેની સાથે હાઇકોર્ટ સહિતના વિકલ્પો ચકાસી રહી છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું છે કે નિલેેશ કુંભાણીને પરિવારવાદ નડી ગયો છે. ફક્ત નિલેશ કુંભાણી જ નહી કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થવાની પૂરેપૂરી શક્યતા હોવાનું સૂત્રએ જણાવ્યું છે.
સુરતની કલેક્ટર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની રજૂઆત કલેક્ટર કચેરીએ સંભાળી લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે શંકા કોંગ્રેસના જ નેતા અસલમ સાઇકલવાલાએ વ્યક્ત કરી છે. તેમણે રીતસર હાથ ખંખેરતા હોય તેમ જણાવ્યું હતું કે કુંભાણીએ ટેકેદારોને રાખવામાં તેમનો પાવર વાપર્યો હતો. તેમણે ટેકેદારોમાં તેમના જ સંબંધી રાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોને ત્યાં કોઈ સ્થાન ન હતુ. તેથી હવે જે પણ થાય તેની જવાબદારી નિલેશ કુંભાણીની જ રહેશે. આમ કોંગ્રેસમાં પણ આ મુદ્દે જે પણ થાય તેની જવાબદારી નિલેશ કુંભાણી પર ઢોળવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે.
કુંભાણી ટેકેદારોને હાજર રાખવામાં નિષ્ફળ જતાં ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરી દીધું હતું. કલેક્ટરે તેમને ટેકેદારોને ગાયબ કરી દેવામાં આવ્યાની વાતને સ્વીકારી ન હતી. હવે નિલેશ કુંભાણી અને તેમના સમર્થકોનું નીચાજોણું થયું છે. તેની સાથે કોંગ્રેસના કુંભાણીના સમર્થકોના કેમ્પમાં પણ સોંપો પાડી દેવાયો છે. જ્યારે કુંભાણીને ટિકિટ આપવાનો વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. તેઓનું કહેવું હતું કે તેઓ પહેલેથી જ કહેતા હતા કે કુંભાણીને ટિકિટ ન આપવી જોઈએ. કમસેકમ લોકસભા ટિકિટ માટે તે દાવેદાર નથી.
સુંરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો ગાયબ થવા અંગે તેમના એડવોકેટ બાબુભાઈ માંગુકિયાએ પત્રકાર પરિષદ ભરીને જણાવ્યું હતું કે ફોર્મમાં સિગ્નેચરની તપાસ તો થવી જ જોઈએ,પરંતુ એફિડેવિટ કરનારની પણ તપાસ થવી જોઈએ. આ સિવાય આ એફિડેવિટ શા માટે છેલ્લી ઘડીએ કરવામાં આવી તે પણ જોવું જોઈએ. અમારા ચાર ટેકેદારોનું અપહરણ થયું છે. તે મળે નહીં ત્યાં સુધી કોઈ ચુકાદો ન આપવો જોઈએ. હેન્ડ રાઇટિંગને એફએસએલમાં મોકલી આપવા જોઈએ અને સહી સાચી છે કે ખોટી તેની તપાસ કરવી જોઈએ. તેઓએ જણાવ્યું છે કે ટેકેદારની સહી ખોટી છે. તેઓએ જણાવ્યું હતું કે ટેકેદારોનું ભાજપ દ્વારા અપહરણ કરાયું છે. વિડીયો ફૂટેજ કરીને તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપી તેમા કોઈ કાર્યવાહી થઈ નથી.
આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી
આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું
આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત