Vav Tharad News વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાની 77મી પ્રજાસત્તાક દિન (Republic Day)ની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડના માર્ચપાસ્ટની સલામી ઝીલી હતી. ઉજવણી દરમિયાન પોલીસ દળ દ્વારા વિવિધ દિલધડક નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને ગુજરાત પોલીસની બાઈક સ્ટંટ ટીમ અને તિરંગા રંગના પોશાકમાં મહિલા પોલીસકર્મીઓની પ્રસ્તુતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવણીમાં રંગ

સવારે 9 વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ બાદ પરેડ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. લોકનૃત્ય, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા પ્રજાસત્તાક પર્વ (Republic Day)ને ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમો લોકભાગીદારી અને વિકાસના સંદેશ સાથે યોજાયા હતા.
વડાપ્રધાન મોદીની નવતર પરંપરાનો અનુસરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિન(Republic Day)ઉજવણી જુદા-જુદા જિલ્લાઓમાં યોજવાની નવતર પરંપરા શરૂ કરી હતી. આ પરંપરા મુજબ આ વર્ષે નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી યોજાઈ હતી, જે જિલ્લાવાસીઓ માટે ગૌરવની બાબત બની.
વિકાસને નવી દિશા

આ ઉજવણીથી વાવ-થરાદ, સુઈગામ સહિતના અંતરિયાળ અને સીમાડા વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા મળી હોવાનું જણાવાયું હતું. 77મી પ્રજાસત્તાક દિન (Republic Day)ઉજવણી જિલ્લાવાસીઓ માટે યાદગાર બની રહી હતી.
પૂર્વસંધ્યાએ અનેક કાર્યક્રમો
રવિવારે 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના આગમન સાથે સેવા સદન, ગૌમાતા સર્કલ અને દૂધવા જીઆઇડીસી ખાતે ભૂમિપૂજન કાર્યક્રમો યોજાયા હતા. સાથે નારી સશક્તિકરણ કાર્યક્રમ અને ગૌભક્તો સાથે સંવાદ પણ યોજાયો હતો. આ ઉપરાંત રાજ્યપાલની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે ‘એટ હોમ’ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
