Sabarkantha Fake Milk Factory Raid: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામેથી પોલીસે જીવલેણ નકલી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર જેવા જોખમી કેમિકલ્સનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડીને ચાર શખ્સોની ધરપકડ કરી છે.

ઝેર પીરસી રહ્યા હતા આ નરાધમો!
પ્રાંતિજના સલાલ વિસ્તારમાં આવેલી ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં પોલીસના દરોડા દરમિયાન નકલી અને ઝેરી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, કોસ્ટિક સોડા, પામોલીન તેલ અને સોયાબીન તેલ જેવા પદાર્થોનું મિશ્રણ કરીને આ દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ નકલી દૂધને અસલી દૂધના પેકેટમાં પેક કરીને બજારમાં વેચવામાં આવતું હતું, જે લોકો અને ખાસ કરીને બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી
સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રીતે બાતમીના આધારે આ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોંકાવનારા કૌભાંડમાં એક સગીરની સંડોવણી પણ સામે આવી છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, આ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડાના સમયે જ ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Sabarkantha : તપાસનો ધમધમાટ
પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટના સંચાલકો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ નકલી દૂધ ક્યાં-ક્યાં સપ્લાય થતું હતું અને અત્યાર સુધી કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાયા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
