Dharm & Bhakti: આજે 5 ફેબ્રુઆરી 2026ના રોજ દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી (Dwijpriya Sankashti Chaturthi, 5 February 2026)નું પર્વ આવશે. આ દિવસે ભગવાન લંબોદર અર્થાત્ ગણેશજી (Ganeshji)ની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવાથી ઘર અને કુટુંબ પર ગણપતિ બાપ્પાની કૃપા સદાય વરસતી રહે છે.
પ્રત્યેક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથી તિથિ ના દિવસે ચતુર્થીનું વ્રત કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. આ દિવસે ભગવાન ગણેશજી (Lord Ganesha)ની પૂજા-આરાધના કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઉપરાંત શાંતિ જળવાઇ રહે છે. પ્રત્યેક માસમાં પડનારી સંકષ્ટી ચતુર્થીને જુદા-જુદા નામોથી ઓળખવામાં આવે છે.

શ્રી ગણેશની પૂજાનું મહાત્મ્ય
ભગવાન શ્રીગણેશ (Shree Ganesh) વિઘ્નહર્તા અને સુખકર્તા છે. હિન્દુ સનાતન ધર્મ (Hindu Religion)માં, ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. જે કોઇ ઉપાસક પર ગણપતિદાદાની કૃપાદ્રષ્ટિ વરસે છે ત્યારે એના જીવનના તમામ વિઘ્નો અને કાર્યોમાં નડતી અડચણો ગાયબ થઇ જાય છે. એમની કૃપાથી વ્યક્તિની વાણીમાં મીઠાશ આવે છે તથા બુદ્ધિ અને જ્ઞાનનો સંચાર થાય છે. ભારતીય સમાજમાં સૌથી વધુ સ્વીકાર્ય દેવ જો કોઇ હોય તો એ શ્રીગણેશ છે!
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગણપતિને કેતુદેવનું સ્વરુપ માનવામાં આવે છે. કેતુ તથા રાહુ બંને છાયા ગ્રહો ગણાય છે અને પરસ્પર વિરોધી ગ્રહો છે. કેતુ (Ketu) હંમેશાં રાહુ (Rahu)થી વિપરીત કાર્ય કરે છે. રાહુ ભ્રમજાળમાં ઉલઝાવનારો ગ્રહ છે જ્યારે કેતુ મોક્ષનો કારક ગ્રહ છે. આ એ દર્શાવે છે કે વિરોધ કર્યા વિના જ્ઞાન પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાન પ્રાપ્તિ વિના મુક્તિ મળતી નથી!
માઘ માસની દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી (Dwijpriya Sankashti Chaturthi)
આ જ રીતે મહા મહિના (Maha Month)ની કૃષ્ણ પક્ષની ચતુર્થીને દ્વિજપ્રિય સંકટ ચતુર્થી કહેવાય છે. આ વર્ષે આ ચતુર્થીનું વ્રત 5 મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ દિવસે ગણેશજીના અનેક સ્વરુપો પૈકી એક દ્વિજપ્રિય ગણેશજી ની પૂજા થાય છે. તો ચાલો હવે જાણીશું, આ વિશેષ સંકષ્ટી ચતુર્થીની પૂજા કઇ વિધિથી કરવી જોઇએ?
મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી (Magh Sankat Choth)ના દિવસે ગણપતિની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત કરવાથી સંતાનનું આયુષ્ય વધે છે એવી માન્યતા છે, આ વ્રત મહિલાઓ પોતાના સંતાનના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે રાખે છે અને ઉપવાસ કરે છે.
આ વ્રતને વિધિપૂર્વક કરવાથી અત્યંત શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને પરિવારના સઘળા દુઃખ દૂર થાય છે ઉપરાંત ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળા અથવા ફળાહાર વ્રત રાખીને ગણપતિને પ્રસાદ ધરાવી, ચંદ્રોદય થાય એટલે પૂજા કરીને વ્રત પૂર્ણ કરે છે અને પારણા કરે છે. તો ચાલો જાણીએ એની તારીખ (Date), શુભ મુહૂર્ત, ચંદ્રોદય સમય અને પૂજા વિધિ અંગે…

દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી 2026ના શુભ પૂજા મુહૂર્ત અને ચંદ્રોદય સમય
મહા વદ ચોથ પ્રારંભ સમય- 5 ફેબ્રુઆરી 12 વાગી ને 09 મિનિટે (A.M.)
મહા વદ ચોથ સમાપ્તિ સમય- 6 ફેબ્રુઆરી 12 વાગી ને 22 મિનિટે (A.M.)
ચંદ્રોદય સમય (Chandroday Samay)- રાત્રે 9 વાગી ને 35 મિનિટે (P.M.)
પૂજાનું શુભ અને શ્રેષ્ઠ મુહૂર્ત (Puja Mahurat)- 5 ફેબ્રુઆરી, 2026
શુભ મુહૂર્ત-
સવારે 07:07 થી 08:29 સુધી
લાભ અને પ્રગતિ માટેનું શુભ મુહૂર્ત-
બપોરે 12:35 થી 01:57 સુધી
બ્રહ્મ મુહૂર્ત-
સવારે 05:22 થી 06:15 સુધી
અભિજિત મુહૂર્ત-
બપોરે 12:13 થી 12:57 સુધી

દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ (Puja Vidhi)
1. સંકટ ચોથના દિવસે પ્રાત કાળે સ્નાન આદિ પૂર્ણ કરીને સ્વચ્છ કપડા ધારણ કરવા.
2. ત્યાર બાદ, મંદિર અને પૂજા ઘરની સફાઈ કરીને ગંગાજળ (Gangajal) છાંટીને શુદ્ધિકરણ કરી લેવું.
3. સાચા હૃદયથી ગણપતિનું ધ્યાન ધરવુ અને વ્રતનો સંકલ્પ લેવો.
4. વિધવત્ રીતે ગણેશજીની પૂજા-અર્ચના કરવી અને એમને ધૂપ, દીપ અને ઋતુ અનુસાર પુષ્પ, ફળ વગેરે અવશ્ય ધરાવવા. વગેરે અર્પણ કરવા અને યથાસંભવ ષોડશોપચારથી ગણપતિજીનું પૂજન કરવું.
5. ‘ગણપતિપ્રીતયે સંકષ્ટચતુર્થીવ્રતં કરિષ્યે’ એવું બોલીને વ્રતનો સંકલ્પ લેવો. આ પછી ગણેશજીને ફૂલ અને દુર્વા (Durva), ચંદન વગેરે અર્પણ કરવા.
6. દીપ પ્રજ્વલિત કર્યા બાદ, ‘ઓમ ગં ગણપતયે નમ:’ નો જાપ અવશ્ય કરવો અને પછી પૂજા અને આરતી કરીને યથાશક્તિ પ્રસાદ (Prasad) અર્પણ કરવો.
7. ચંદ્રોદય થાય એ પછી ચંદ્રમાનું પૂજન કરવું અને એમને અર્ઘ્ય તથા નૈવેદ્ય વગેરે અર્પણ કરવા.
8. પૂજન કર્યા બાદ જ ઉપવાસ (Fast)ના પારણા કરીને ભોજન ગ્રહણ કરવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…
આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…
