Lifestyle: જો તમારે કંઇક હૅલ્ધી અને ગળ્યું ખાવાની ઇચ્છા હોય તો તમે સત્તુની આ બરફી (Sattu Barfi)ખાઇ શકો છો. કેવળ 10-15 મિનિટમાં જ આ સત્તુની બરફી રેડી થઇ જશે અને એનાથી આ ગરમીની સિઝનમાં શરીરને એનર્જી મળશે.
ઉનાળાની ગરમીમાં પરસેવો નીકળે ત્યારે શરીરમાં થાક અને નબળાઇ મહેસૂસ થવા લાગે છે. પાણીની ઉણપથી શરીરમાં પોષક તત્વોની પણ કમી થઇ શકે છે. આ સંજોગોમાં કેટલીક ઠંડી તાસીરવાળી વસ્તુઓ અને શરીરને ભરપૂર પોષણ આપનારી વસ્તુ ખાવા માગો છો તો તમે સત્તુ ખાઇ શકો છો. આમ તો સત્તુને પાણીમાં ઓગાળીને પીવું શ્રેયકર છે. સત્તુની ગળી અથવા તો નમકીન વાનગી બનાવીને તમે ખાઇ શકો છો. પરંતુ, જો તમારે કંઇક હૅલ્ધી અને ગળ્યું ખાવાની ઇચ્છા હોય તો તમે સત્તુની આ બરફી ખાઇ શકો છો. કેવળ 10-15 મિનિટમાં જ આ સત્તુની બરફી રેડી થઇ જશે અને એનાથી આ ગરમીની સિઝનમાં શરીરને એનર્જી મળશે અને થાક કે નબળાઇ પણ દૂર થશે.

સત્તુ ખાવાના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Sattu)
સત્તુ ગરમીની ઋતુ (Summer Season)માં ખવાતુ એક પરંપરાગત સુપરફૂડ (Superfood)છે. ઉનાળાની ગરમીમાં અને વિશેષ કરીને જૂન-જુલાઇમાં ગુજરાત અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં પારો 40 ડિગ્રીને વટાવી જાય છે અને આ સંજોગોમાં આવી કાળઝાળ ગરમીથી બચવા માટે ખાણી-પીણીમાં પરિવર્તન ઘણું જ જરુરી છે. દાદી અને નાનીના નુસખાઓને અનુસરીએ તો ગરમીમાં સત્તુનું સેવન કરવું ઘણું જ ફાયદાકારક છે જેથી લૂ અને ગરમીથી બચી શકાય! સત્તુ ગરમીમાં ખવાતુ એક પરંપરાગત સુપરફૂડ છે અને નાસ્તા માટે તો એ બેસ્ટ રહે છે. ‘વેટ લોસ જર્ની’માં આ ઉપયોગી આહાર છે.
તમારી માહિતી માટે જણાવી દઇએ કે, સત્તુને શેકેલા ચણા (Roasted Chickpeas)ને વાટીને બનાવવામાં આવે છે. સત્તુમાં મળી આવતા તમામ તત્વો શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. સત્તુને શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે એથી એમાં પ્રોટીન અને વિટામિન ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. એને ખાવાથી શરીરને તાકાત મળે છે અને ઉનાળામાં અનુભવાતી સુસ્તી અને નબળાઇથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, આ શુગર ફ્રી બરફી (Sugar Free Barfi)ને ખાવાથી શરીરમાં ઠંડક પણ થાય છે અને મજાની વાત એ છે કે એ અત્યંત સ્વાદિષ્ટ પણ હોય છે! તો વિના વિલંબે આ સ્વાદસભર, ખાંડ વિનાની પૌષ્ટિક બરફીની રેસિપી વિશે જાણી લઇએ…
શી રીતે બનાવશો સત્તુની બરફી? (Sattu Barfi Recipe)
સત્તુની બરફી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ ચણાનું સત્તુ
1 કપ દેશી ઘી
આવશ્યકતા અનુસાર ગોળ અથવા ખજૂર
ઇલાયચી પાવડર
બારીક સમારેલા બદામ, કાજુ અને પિસ્તા

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ તો એક જાડા તળિયાવાળી કડાઇમાં દેશી ઘી ઉમેરો અને એમાં સત્તુને ઉમેરીને 5-7 મિનિટ સુધી સાંતળી લો.
2. સત્તુને હળવા હાથે ચલાવતા રહીને બેસન (Besan)ની જેમ જ એને શેકવાનું છે અને એ બળી કે ચોંટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું.
3. બેસનની સરખામણીમાં સત્તુ ઘણી ઝડપથી શેકાઇ જાય છે કારણ કે, એને શેકેલા ચણામાંથી જ તૈયાર કરવામાં આવેલું હોય છે.
4. સત્તુ શેકાવાથી સરસ સુગંધ આવવા લાગે છે. આ શેકાયેલા સત્તુને ઠંડુ થવા માટે અલગ રાખી દેવું.
5. હવે એમાં ઇલાયચી પાવડર નાખવો અને બારીક સમારેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દેવા.
6. ત્યાર બાદ, એક પૅનમાં સમારેલો ગોળ અથવા તો ખજૂરની પેસ્ટ (Jaggery or Dates) ઉમેરીને ગરમ કરો.
7. આમાં સત્તુ પાવડર અને સમારેલા તમામ ડ્રાય ફ્રુટ્સ અને ઇલાયચી પાવડર ઉમેરી દેવા ત્યાર બાદ, ધીમા તાપે સતત હલાવતા રહીને એને હળવા હાથે મિક્સ કરવા.
8. જ્યારે આ તમામ વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય તો એક ટ્રેને ઘીથી ગ્રીસ કરી લેવી અને આ શેકાયેલું મિશ્રણ ફેલાવી દેવું.
9. એક તવેથાની મદદથી એને સમથળ કરી લેવું અને એની ઉપર સમારેલા સૂકા મેવા (Dry Fruits) ભભરાવી દેવા.
10. હવે આ બરફીને સેટ થવા માટે અલગ રાખવી અને થોડી ઠંડી થાય પછી ચપ્પુની મદદથી તમારા મનપસંદ શેપમાં કાપી લેવી.
તો તૈયાર છે તમારી સત્તુની સ્વાસ્થ્યસભર બરફી…જેને તમે દરરોજ ખાઇ શકો છો. ઉનાળામાં એ ઘણી જ ગુણકારી સિદ્ધ થશે.
આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર સત્તુના લાડુ….ગરમીમાં નાસ્તા માટે શ્રેષ્ઠ વિકલ્પ…ઝટપટ રેસિપી..!
આ પણ વાંચો: ઉનાળામાં સત્તુનો રસ જરૂર ટ્રાય કરો, ફાયદા જાણી રોજ પીશો
