નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ રેટ ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) યોજના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત તા.૧૪/૩/૨૦૨૧ નાં રોજ રાજ્યના તમામ તાલુકા મથકે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ એકઝામનું આયોજન કરવામાં આવેલ હતું.
સદર પરીક્ષામાં સમગ્ર રાજ્યનાં ૧,૪૧,૧૦૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાં સુરત જિલ્લાનાં ૬૧૮૮ વિદ્યાર્થીઓ પૈકી ઓલપાડ તાલુકાનાં ૩૯૬ જેટલાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. સદર પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું હતું. જેમાં સુરત જિલ્લાનાં ૩૯૬૫ વિદ્યાર્થીઓએ કવૉલિફાઇંગ ગુણ મેળવ્યા હતા જ્યારે ૪૫૧ વિદ્યાર્થીઓ નિયત મેરીટમાં સ્થાન પામ્યા હતા. જે પૈકી ઓલપાડ તાલુકાના ૧૫ વિદ્યાર્થીઓ આ મેરીટમાં સ્થાન પામી શિષ્યવૃત્તિનાં હકદાર બન્યાં છે. આ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા ૧૨,૦૦૦ લેખે કુલ ચાર વર્ષ સુધી રૂપિયા ૪૮,૦૦૦ હજાર શિષ્યવૃત્તિરૂપે મળવાપાત્ર થશે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં આ વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ બદલ ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઇ પટેલે વિદ્યાર્થીઓ તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.