Lifestyle News : આલ્કોહોલ (Alcohol)નું મર્યાદિત સેવન શરીર માટે નુકસાનકારક નથી એવી માન્યતા લાંબા સમયથી ચાલી આવી છે. પરંતુ હવે એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસે આ માન્યતાને પડકાર્યો છે. સંશોધન મુજબ દિવસમાં માત્ર એક આલ્કોહોલિક પીણું પણ બ્લડ પ્રેશર વધારી શકે છે, જે લાંબા ગાળે હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે.
19 હજારથી વધુ લોકો પર થયો અભ્યાસ
અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના કુલ 19,548થી વધુ લોકોના સ્વાસ્થ્ય સંબંધિત ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વર્ષો સુધી તેમના બ્લડ પ્રેશર અને દારૂના સેવન પર નજર રાખ્યા બાદ સંશોધકોએ દારૂ અને બ્લડ પ્રેશર વચ્ચે સ્પષ્ટ સંબંધ હોવાનું નોંધ્યું.
દારૂ વધે તેમ બ્લડ પ્રેશર પણ વધે

અભ્યાસમાં જાણવા મળ્યું કે જેમ જેમ વ્યક્તિના દૈનિક આલ્કોહોલ (Alcohol)નું પ્રમાણ વધતું ગયું તેમ તેમ તેનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર પણ વધતું ગયું. ખાસ વાત એ છે કે મધ્યમ માત્રામાં દારૂ પીતા લોકોમાં પણ બ્લડ પ્રેશરમાં સતત વધારો જોવા મળ્યો.
નિષ્ણાતોના મતે શરૂઆતમાં આ વધારો સામાન્ય લાગતો હોય છે, પરંતુ લાંબા ગાળે તે હૃદય અને રક્તવાહિનીઓ પર વધારાનો તાણ ઉભો કરી શકે છે.
પુરુષોમાં અસર વધુ સ્પષ્ટ
સંશોધનમાં પુરુષોમાં ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર (Blood Pressure)માં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જ્યારે મહિલાઓમાં આ અસર એટલી સ્પષ્ટ રીતે જોવા મળી નહોતી. જોકે બંને માટે દારૂનું વધુ સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું સંશોધકોએ જણાવ્યું છે.
મધ્યમ દારૂના સેવનથી પણ કોઈ ફાયદો નહીં
સંશોધકોના જણાવ્યા મુજબ તેમને મધ્યમ માત્રામાં દારૂ પીવાથી બ્લડ પ્રેશર (Blood Pressure)પર કોઈ સકારાત્મક અસર જોવા મળી નહોતી. તેના બદલે હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થતી હોવાનું સામે આવ્યું.
તેમણે લોકોને દારૂનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવાની અથવા મર્યાદિત રાખવાની સલાહ આપી છે.
કેટલું આલ્કોહોલ (Alcohol)જોખમ વધારી શકે?
અભ્યાસ અનુસાર દરરોજ લગભગ 12 ગ્રામ આલ્કોહોલ (Alcohol)નું સેવન કરનારા લોકોમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશર સરેરાશ 1.25 mmHg જેટલું વધ્યું હતું.
જ્યારે દરરોજ આશરે 48 ગ્રામ આલ્કોહોલ લેતા પુરુષોમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશર (Blood Pressure)માં સરેરાશ 4.9 mmHg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરમાં લગભગ 3.1 mmHgનો વધારો નોંધાયો હતો.
હૃદયને સ્વસ્થ રાખવા શું કરવું?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે માત્ર દારૂ જ નહીં પરંતુ જીવનશૈલીના અન્ય પરિબળો પણ હૃદયના સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. તેથી નીચેની બાબતોનું પાલન કરવું જરૂરી છે.
- આલ્કોહોલનું સેવન મર્યાદિત રાખો અથવા શક્ય હોય તો ટાળો.
- સંતુલિત અને પૌષ્ટિક આહાર લો.
- દરરોજ નિયમિત કસરત કરો.
- ધૂમ્રપાનથી દૂર રહો.
- કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવો.
- સ્વસ્થ વજન જાળવી રાખો.
આ નવો અભ્યાસ સૂચવે છે કે દિવસમાં માત્ર એક આલ્કોહોલિક પીણું પણ સંપૂર્ણપણે નિર્દોષ નથી. લાંબા ગાળે તે બ્લડ પ્રેશર વધારી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. તેથી હૃદયને સ્વસ્થ રાખવા માટે દારૂનું સેવન મર્યાદિત કરવું અને સ્વસ્થ જીવનશૈલી (Healthy Lifestyle)અપનાવવી વધુ યોગ્ય છે.
