Lifestyle: સ્નેક પ્લાન્ટ (Snake Plant) ઘર અને આંગણાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જો કે, શિયાળાની ઠંડી ઋતુ (Winter Season)માં એના પાન પીળા (Leaves turns Yellow)પડવા લાગે છે, જેના કારણે છોડ મૂરઝાયેલો લાગે છે! આ સંજોગોમાં અહિં દર્શાવેલી કેટલીક વિશેષ ટિપ્સને ફૉલો કરીને છોડને લીલોછમ જાળવી શકાય છે.
શું તમને પણ ગાર્ડનિંગ (Gardening)નો શોખ છે? તો તમે તમારા આંગણે ફૂલ-છોડ અવશ્ય વાવ્યાં હશે! હવે તમારા એ કલેક્શનની શોભા વધારતો એક છોડ વાવી દો જેનું નામ છે સ્નેક પ્લાન્ટ! એની સંભાળ માટેની કેટલીક ટિપ્સ (Tips) અમે તમારી સાથે શૅર કરવા જઇ રહ્યાં છીએ…
સ્નેક પ્લાન્ટનો છોડ એક ઇનડોર પ્લાન્ટ
સ્નેક પ્લાન્ટ (Snake Plant)ને સામાન્ય રીતે તેના અંગ્રેજી નામથી જ ઓળખવામાં આવે છે, તેનું કોઈ વિશેષ ગુજરાતી નામ નથી. એને સાન્સેવીરિયા (Sansevieria) કહેવાય છે, તેના લાંબા પાંદડાને કારણે ‘સાપનો છોડ’ પણ કહેવાય છે. આ છોડ હવા શુદ્ધ કરવા ઉપરાંત, ઘરની સુંદરતાને વધારે છે.

શિયાળામાં ફૂલ-છોડનો વિકાસ મોટા ભાગે ધીમો પડી જાય છે પણ સ્નેક પ્લાન્ટ (Snake Plant) એક એવો ઇનડોર પ્લાન્ટ છે જે ઓછી સંભાળ માગે છે અને ઝડપભેર વૃદ્ધિ પામે છે! જો તમે ફ્લેટમાં રહેતા હો તો બાલ્કનીમાં કૂંડું મૂકીને પણ એને વાવી શકો છો અને ઘરની શોભા વધારી શકો છો.
શિયાળામાં કેટલાય છોડ સુકાઇ જાય છે અને ઘરની બાલ્કની (Balcony) કે ગાર્ડનની સુંદરતા ઓછી થવા લાગે છે! આ સંજોગોમાં કેટલાક લીલાછમ છોડવાં તમે તમારા બગીચામાં અથવા તો તમારા ઘરની બાલ્કનીમાં લગાવી શકો છો. ઠંડીની ઋતુમાં એ ઘણા જ મહોરી ઉઠે છે!આવો જ એક એક સારો વિકલ્પ છે, સ્નેક પ્લાન્ટ! આ સુંદર પ્લાન્ટ ઘરના માહોલને ઓર ખુશનુમા બનાવવાની સાથોસાથ તમારા સમયની પણ બચત કરે છે કારણ કે, એની કોઇ ખાસ સંભાળ લેવાની જરુર રહેતી નથી. આંખોને ઠંડક આપવાની સાથોસાથ એને વાવવાનો ફાયદો એ પણ છે કે, એ ઘરની હવાને શુદ્ધ અને તાજી રાખવામાં (Air Purifier Plant) સહાયક છે. આ ગુણકારી અને સુંદર છોડની સંભાળ અંગેની કેટલીક ટિપ્સ (Tips) જોઇશું.
સ્નેક પ્લાન્ટના પાંદડા પીળા પડેલા જણાય તો?
ઘણા બધા લોકો પોતાના ઘર અને આંગણામાં કે બાલ્કનીમાં ભાત-ભાતના છોડ વાવવાનું પસંદ કરતા હોય છે. આ તમામ પ્લાન્ટ્સમાંથી સ્નેક પ્લાન્ટ (Snake Plant) સૌથી વધુ લોકપ્રિય પ્લાન્ટ છે. આમ તો આ છોડને વધુ સંભાળની જરુર પડતી નથી પણ ઘણી વાર શિયાળાની ઋતુમાં એના પાંદડા પીળા પડવા લાગે છે. ઠંડી મોસમ, ઓછો તડકો અને અયોગ્ય સંભાળના કારણે આવું થઇ શકે છે.

જો તમે પણ તમારા ઘરમાં સ્નેક પ્લાન્ટ (Snake Plant) લગાવ્યો હોય અને એના પાંદડા પીળા પડેલા જણાય તો ગભરાવાની જરુર નથી. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આ છોડ સુંદર અને લીલોછમ (Green) બની રહે એ માટેની કેટલીક ટિપ્સ અમે અહિં દર્શાવવા જઇ રહ્યાં છીએ, જેને ફૉલો કરીને તમે આ છોડની સરસ જાળવણી (Plant Care) કરી શકશો.
શિયાળામાં સ્નેક પ્લાન્ટ (Snake Plant)ની સંભાળ અંગેની ટિપ્સ
1. ઠંડી હવાથી છોડનું રક્ષણ કરો
શિયાળામાં ઠંડી હવાઓ સીધી તીરની જેમ છોડને હલબલાવીને નુકસાન પહોંચાડી શકે છે. આથી જ્યારે પણ કડકડતી ઠંડી પડે ત્યારે છોડને ઘરની બહાર આંગણા કે બાલ્કનીમાં ન રાખવો. એને તમે ડ્રોઇંગ રુમમાં રાખી શકો છો. ખાસ કરીને એને એવી જગ્યાએ રાખવો જ્યાં તાપમાન સામાન્ય હોય! ઘણી વધારે ઠંડીથી એનો વિકાસ રુંધાઇ શકે છે.

2. પાણી આપતા વિશેષ ધ્યાન રાખો
શિયાળાની ઠંડી મોસમમાં સ્નેક પ્લાન્ટ (Snake Plant)ને ઘણા જ ઓછા પાણીની આવશ્યકતા રહે છે. વધારે પડતું પાણી આપવાથી એના મૂળ સડી જાય છે. આથી જ તમારે એની માટી જોઇને પાણી નાખવું અત્યંત જરુરી છે. જ્યારે કૂંડાની માટી તદ્દન સૂકાયેલી જણાય ત્યારે જ એને પાણી આપવું. સામાન્ય રીતે, સ્નેક પ્લાન્ટમાં દર 10 થી 15 દિવસે પાણી નાખવું પર્યાપ્ત રહેશે. તમે ઇચ્છો તો સ્પ્રેયરથી દરરોજ એને સ્વચ્છ કરી શકો છો.
3. સમયાંતરે છોડને તડકામાં રાખવો
આમ જોઇએ તો આ એક ઇનડોર પ્લાન્ટ છે, જે ઓછા પ્રકાશ (Sunlight)માં પણ લીલોછમ રહી શકે છે. જો કે, અમુક-અમુક સમયે એને તડકામાં રાખવો પણ અત્યંત જરુરી છે. આમ કરવાથી એના પાન પીળા નહિં પડે અને છોડ તદ્દન સ્વસ્થ અને તાજો-માજો રહેશે.
આ પણ વાંચો: કૂંડામાં પીસ લીલીનો છોડ શી રીતે વાવશો? શિયાળામાં ઝડપભેર ફૂલશે-ફાલશે..અપનાવો આ ટિપ્સ..!
આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!
આ પણ વાંચો: શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!
