Sabarkantha News : સાબરકાંઠા હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામે એક કરુણાંતિકા સર્જાઇ હતી, જમ્મુ કશ્મીરમાં CRPF જવાન તરીકે ફરજ પર બજાવતા પિતાને અચાનક ફરજ પર હાર્ટએટેક આવતાં તેમનું મોત નીપજ્યું હતું. જેમાં દીકરાની જાન જાય તે પહેલાં જ પિતાની અર્થી ઊઠી હતી. જેથી તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક વિષ્ણુભાઈના દીકરાના 17 ફેબ્રુઆરીએ લગ્ન હતા, કંકોત્રીઓ પણ વહેચાઇ ગઈ હતી. ત્યારે અચાનક આ દુ:ખદ ઘટનાથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. આખા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, ગત ડિસેમ્બર મહિનામાં હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ 20 દિવસ આરામ કરી વિષ્ણુભાઈ 6 જાન્યુઆરીએ ફરજ પર પરત ફર્યા હતા. મંગળવારે સવારે ફરજ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા અને કુલગામ જિલ્લા હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં CRPF જવાન વિષ્ણુભાઈ પ્રજાપતિની અંતિમયાત્રા દેશભક્તિના ગીતો અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે નીકળી હતી. 53 વર્ષીય વિષ્ણુભાઈ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ASI તરીકે ફરજ બજાવતા હતા, જ્યાં સંત્રી ચોકી પર ફરજ દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું.

વધુમા, પરિવાર માટે આ ઘટના વધુ દુઃખદ એટલા માટે બની કે, વિષ્ણુભાઈના પુત્ર પાર્થના 17 ફેબ્રુઆરીએ લગ્ન નિશ્ચિત થયા હતા. તેમના મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર ગામમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં હિંમતનગરના ધારાસભ્ય વી. ડી. ઝાલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગામની સીમમાં નદી કિનારે ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સગાસંબધીઓને કંકુપત્રિકા પણ આપી દેવાઇ હતી. આ અંગે ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ 53 વર્ષીય વિષ્ણુભાઈ બેચરભાઈ પ્રજાપતિ, તેમની પત્ની અને તેમના 2 દીકરા એકનું નામ પાર્થ અને બીજાનું નામ સાહિલ છે. જેમાં દીકરા પાર્થના 17 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન હતા.

આ સમાચાર મળતાં જ ગામમાં શોકનો માહોલ છવાયો, વિષ્ણુભાઈ બુધવારે તેમના વિભાગમાં રજા મુકીને આવતીકાલને ગુરુવારે ઘરે આવવાના હતા. પરતું હ્રદયરોગના હુમલામાં ફરજ પર વિષ્ણુભાઈ પ્રજાપતિનું અવસાન થતાં મંગળવારે પરિવારજનોને અવસાનના સમાચાર મળ્યા હતા અને બુધવારે તેમનો મૃતદેહ તેમના વતને લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ અણધારેલ ઘટનાને કારણે પરિવાર અને ગામનું વાતાવરણ માતમમાં ફેરવાયું છે.
આ પણ વાંચો: સાબરકાંઠાના પાટીદાર યુવકનું લંડનમાં ગરબે ઘૂમતા હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો: યુપીના અમરોહામાં સ્કૂલની વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો: પાટણના ચાણસ્મામાં યુવાનનું હાર્ટએટેકથી મોત
