બોલિવૂડ સેલેબ્સ અને પાપારાઝીઓ (ફોટોગ્રાફર્સ) વચ્ચેનો વિવાદ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી નેહા ધુપિયાએ પરવાનગી વગર પાછળથી ફોટા (બેક શોટ્સ) લેવા બદલ પાપારાઝીઓનો જોરદાર ક્લાસ લીધો હતો, જેના સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) એ ખૂબ વખાણ કર્યા હતા. હવે આવી જ એક ઘટના સોનાક્ષી સિંહા સાથે પણ બની છે, જ્યાં તેણે કેમેરામેન સામે મક્કમ વલણ અપનાવીને પોતાનું ધાર્યું કરાવ્યું હતું.
લગ્નના રિસેપ્શન બહાર બની ઘટના
બન્યું એવું કે આકાંક્ષા રંજન અને શરણ શર્માના લગ્નના ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપ્યા બાદ સોનાક્ષી સિંહા તેના પતિ ઝહીર ઈકબાલ સાથે પરત ફરી રહી હતી. આ દરમિયાન તેઓ જેવા પોતાની કાર તરફ આગળ વધ્યા, કે તરત જ પાપારાઝીઓએ તેમને ચારેય તરફથી ઘેરી લીધા અને સતત વીડિયો શૂટ કરવાનું શરૂ કરી દીધું.
જ્યાં સુધી નહીં જાઓ, ત્યાં સુધી કારમાં નહીં બેસું!
શરૂઆતમાં સોનાક્ષી સિંહાએ ખૂબ જ શાંતિથી કારનો દરવાજો ખોલતા પહેલાં કેમેરામેનને ‘બસ હવે બહુ થયું’ તેમ કહીને અટકી જવાનો ઈશારો કર્યો હતો. આમ છતાં, પાપારાઝીઓએ કેમેરા બંધ ન કર્યા અને સતત વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું. આ જોઈને સોનાક્ષીનો પિત્તો ગયો હતો. તેણે ત્યાં જ ઊભા રહીને કડક શબ્દોમાં કહી દીધું કે, “જ્યાં સુધી તમે લોકો અહીંથી નહીં જાઓ, ત્યાં સુધી હું કારમાં નહીં બેસું.” અભિનેત્રીનું આ આક્રમક અને મક્કમ રૂપ જોઈને આખરે પાપારાઝીઓએ પીછેહઠ કરવી પડી હતી.
આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જ્યારે સોનાક્ષી તેના પિતા શત્રુઘ્ન સિંહા અને પતિ સાથે જોવા મળી હતી, ત્યારે ફોટો લેવાના ધસારાને કારણે તેણે પાપારાઝીઓને ખખડાવ્યા હતા. સેલેબ્સની અંગત લાઈફમાં પાપારાઝીઓની આ પ્રકારની દખલગીરી સામે સોનાક્ષીનો આ અવાજ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
