Food Recipe: ડિનર માટે સોયા-મશરુમ બિરયાની (Soya Mushroom Biryani) પ્રોટીનથી ભરપૂર એવો એક હૅલ્ધી ઑપ્શન છે. આ બિરયાનીને બ્રાઉન બાસમતી રાઈસ, સોયા ચંક્સ અને મશરુમ વડે બનાવવામાં આવે છે. એ સ્વાદમાં લાજવાબ લાગે છે. તો ચાલો જાણીએ…આ સ્વાદિષ્ટ બિરયાની બનાવવાની વિધિ અંગે…
સોયા ચંક્સના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Soya Chunks)
1. પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત
સોયા એક સંપૂર્ણ પ્રોટીન (Complete Protein) છે, જેનો અર્થ એ છે કે, એમાં તમામ 9 એમિનો એસિડ (9 Amino Acids) પ્રાપ્ત થાય છે જે શરીર માટે આવશ્યક છે. એના સેવનથી મસલ્સને મજબૂતી મળે છે.
2. વજન ઘટાડવામાં સહાયક
સોયાબીનમાં ફાઇબર (Fiber)ની માત્રા વધુ હોય છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એ મોટાબોલિઝમને બૂસ્ટ કરે છે જેથી શરીરમાં ફેટ બર્ન થવામાં મદદ મળે છે.
3. હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી
સોયાબીનમાં સેચ્યુરેટેડ ફેટ ઓછી હોય છે અને એમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ અને આઇસોફ્લેવોન્સ ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol)ને ઓછું કરવા માટે અને હૃદયની બીમારીઓના જોખમ (Heart Disease Risk)ને ઓછું કરવામાં સહાયક સિદ્ધ થાય છે.
જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ધરાવો છો તો તમારે ડિનરમાં આ પ્રોટીનસભર સોયા-મશરુમ બિરયાની (Soya Mushroom Biryani) ખાશો તો એની સામે ભલભલી વાનગી પણ ફિક્કી લાગશે અને સ્વાસ્થ્ય માટે પણ એ ઉત્તમ રહેશે! યંગસ્ટર્સને પણ આ બિરયાની અત્યંત પસંદ પડે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ વાનગીમાં વિશેષ સામગ્રીઓ બિરસ્તા અને કેસરવાળું દૂધ વપરાય છે જે એના સ્વાદને અનેકગણો વધારે છે. અમુક વસ્તુઓને સોયા ચંક્સ સાથે મિશ્રિત કરીને આ વાનગી બનાવી શકાશે.
જો તમે ડિનરમાં કશુંક એવું બનાવવા ઈચ્છો છો કે જે ટેસ્ટી હોવાની સાથોસાથ પ્રોટીનથી પણ ભરપૂર (Protein rich Recipe) હોય તો સોયા-મશરુમ બિરયાની એક બહેતરીન વાનગી છે. આ રેસિપીના એક સર્વિંગમાં 35 ગ્રામ પ્રોટીન, 8 ગ્રામ ફાઈબર અને 470 કેલરી પ્રાપ્ત થાય છે. આને બનાવવા માટે બ્રાઉન બાસમતી રાઈસનો ઉપયોગ કરવામાં આવે છે જે સફેદ ચોખાની સરખામણીએ વધુ ફાઈબર ધરાવે છે. તો હવે વિલંબ કર્યા વિના જાણી લઈએ કે આ બ્રાઉન બાસમતી રાઇસની સોયા મશરુમ બિરયાની શી રીતે બનાવશો?
શી રીતે બનાવશો સોયા-મશરુમ બિરયાની? (Soya Mushroom Biryani Recipe)
સોયા-મશરુમ બિરયાનીની વાનગી (Soya Mushroom Biryani) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

રાઇસની સામગ્રી
85 ગ્રામ બ્રાઉન બાસમતી રાઈસ
1 તજનો ટુકડો
3-4 કાળા મરી
1 નાની ચમચી ઘી
સ્વાદાનુસાર મીઠું
મેરિનેશનની સામગ્રી
60 ગ્રામ સોયા ચંક્સ
15-18 મશરુમ (ધોઈને સમારેલા)
2 ફ્રાય કરેલી લાંબી સમારેલી ડુંગળી
1 કપ દહીં અથવા ક્રીમ
સમારેલી કોથમીર
1 મોટો ચમચો બિરયાની મસાલા
2 મોટા ચમચા કસૂરી મેથી
1 ચમચી લાલ મરચું
સ્વાદાનુસાર મીઠું
લીલા મરચા-આદુની પેસ્ટ
સ્વાદાનુસાર લીંબુ
ઉપરના લૅયર માટે
તળેલી ડુંગળીનો બિરસ્તા
તાજો ફુદીનો
30 મિલી કેસરવાળું દૂધ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ સોયાચંક્સને પાણીમાં ઉકાળી લેવા. વધારાનું પાણી નિચોવી દેવું અને એને એક પ્લેટમાં રાખવા.
2. 2 મધ્યમ કદની ડુંગળી (Onion)ને પાતળી લાંબી સમારીને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો કે એર ફ્રાયરમાં શેકી લો. આને બિરસ્તા (Birasta) કહેવાય છે જે બિરયાનીનો અભિન્ન ભાગ છે.
3. હવે સોયા ચંક્સ તથા મશરુમને મેરીનેશનની તમામ સામગ્રીમાં મિક્સ કરીને મેરીનેટ કરો અને 15 મિનિટ સુધી મેરીનેશન થવા દો.
4. બ્રાઉન બાસમતી રાઈસને તજ, કાળા મરી, 1 ચમચી ઘી અને ચપટી મીઠું નાખીને પાણીમાં 90% થાય ત્યાં સુધી પકાવી લો. પાણીમાંથી અલગ કરી લો.
5. એક પૅનમાં 1 ચમચી ઘી ગરમ કરો અને એમાં જીરુ નાખો. એ તતડે એટલે એમાં સોયા ચંક્સ અને મશરુમનું મેરિનેટેડ મિશ્રણ ઉમેરી દો. ધીમા તાપે 10-12 મિનિટ સુધી થવા દો.
6. આ મિશ્રણ ઉપર 90% રંધાયેલા ભાતને પાથરી દો. ઉપર ફ્રાય કરેલી ડુંગળી, તાજો ફુદીનો ભભરાવો અને કેસરવાળા દૂધ (Saffron Milk)નો છંટકાવ કરો.
7. હવે ઢાંકણ લગાવીને ધીમા તાપે 6-7 મિનિટ સુધી પકાવી લો અને ભાત બરાબર ચડી જાય અને તમામ સ્વાદ એમાં એકરસ થઈ જાય ત્યાં સુધી પકાવી લો.
તો તૈયાર છે તમારી સોયા-બિરયાની (Soya Mushroom Biryani)…જેનો સ્વાદ લાજવાબ લાગશે અને તમે એને વારંવાર બનાવવાનું પસંદ કરશો. તમે ઈચ્છો તો ગ્રેવીમાં ટમેટાની પ્યુરી પણ સાંતળીને ઉમેરી શકો છો. અને સજાવટ માટે થોડા તળેલા કાજુ પણ ઉપર સજાવી શકો છો.
આ પણ વાંચો: પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા બનાવો…શિયાળાની જબરદસ્ત રેસિપી..!!
આ પણ વાંચો:
આ પણ વાંચો:
