મોસ્કો,
રશિયામાં રમાઈ રહેલા ફૂટબોલનો મહાકુંભ તેના અંતિમ દોરમાં છે. બુધવારે રમાયેલી ફિફા વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચમાં ક્રોએશિયાની ટીમે ઇંગ્લેન્ડને ૨-૧ થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
મારિયો માંડજુકિક દ્વારા મેચના એક્સ્ટ્રા ટાઈમમાં કરાયેલા શાનદાર ગોલ સાથે ક્રોએશિયાની ટીમે ઇતિહાસ રચી દીધો છે અને વર્લ્ડકપની ફાઇનલમાં પહેલી વાર સ્થાન મેળવ્યું છે. ત્યારે હવે 15મી જુલાઈએ ક્રોએશિયાનો મુકાબલો ફ્રાંસની ટીમ સામે થશે.
બીજી સેમિફાઇનલ મેચની શરૂઆતમાં જ ઇંગ્લેન્ડના ખેલાડી કિરૈન ટ્રિપિયરે 5મી મિનિટમાં શાનદાર ગોલ કરીને પોતાની ટીમને 1-0 ની લીડ અપાવી હતી. ત્યારબાદ ક્રોએશિયાના ઇવાન પેરિસિકે મેચની 68મી મિનિટમાં જ ગોલ કરીને ક્રોએશિયાને 1-1ની બરાબરી કરાવી હતી.
જો કે ત્યારબાદ મેચના નિર્ધારિત સમય સુધી બંને ટીમનો સ્કોર 1-1ની બરાબરી પર હતો, પરંતુ ત્યારબાદ આપવામાં આવેલા એક્સ્ટ્રા ટાઈમના બીજા હાફમાં 109મી મિનિટમાં 32 વર્ષીય ક્રોએશિયન ખેલાડી મારિયો માંડજુકિકે શાનદાર ગોલ કરતા પોતાની ટીમને ફાઇનલમાં સ્થાન અપાવ્યું હતું.
વર્લ્ડકપના ઈતિહાસમાં માત્ર બીજી વાર સેમિફાઇનલ મેચ રમી રહેલી ક્રોએશિયાની ટીમે આ જીત સાથે પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમનું આ હાર સાથે પાંચ દાયકા પછી વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ મેળવવાનું સપનું ચકનાચૂર થયું છે.
મહત્વનું છે કે, ઈંગ્લેંડની ટીમ ૨૮ વર્ષ બાદ પહેલીવાર સેમિફાઈનલ મેચ રમવા જઈ રહી હતી. આ પહેલા ૧૯૯૦માં ઈંગ્લેંડે વર્લ્ડકપની સેમિફાઈનલ મેચ રમી હતી અને એક માત્ર ૧૯૬૬માં વર્લ્ડકપ જીત્યો હતો. જ્યારે ક્રોએશિયાની ટીમ આ પહેલા 1998માં સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.