નાનજિંગ (ચીન),
ચીનમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતીય સ્ટાર મહિલા ખેલાડી પી વી સિંધુએ પોતાની શાનદાર રમત યથાવત રાખતા ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. શનિવારે રમાયેલી BWCની સેમિફાઈનલ મેચમાં સિંધુએ જાપાનની અકેની યામાગુચીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
મહિલા સિંગલ સેમિફાઈનલ મેચમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર ત્રણ ખેલાડી પી વી સિંધુએ ૫૫ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં યામાગુચીને ૨૧-૧૬, ૨૪-૨૨થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
આ વર્ષે સિંધુ અને યામાગુચીનો મુકાબલો બે વાર થયો હતો, જેમાં બંને ખેલાડીઓએ ૧-૧ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હવે ફાઈનલમાં પ્રવેશ કર્યાં બાદ ઓલમ્પિકમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર સિંધુનો મુકાબલો સ્પેનની સ્ટાર ખેલાડી કારોલીના મારિન સામે થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા ઓલમ્પિકની ફાઈનલ મેચમાં ભારતીય સ્ટાર ખેલાડી સિંધુનો મુકાબલો કારોલીના મારિન સામે થયો હતો. આ મુકાબલામાં મારિને સિંધુને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જો કે ત્યારબાદ પી વી સિંધુએ પણ આ વર્ષે મલેશિયન ઓપનમાં આ સ્પેનિસ ખેલાડીને હરાવી હતી.
આ પહેલા પી વી સિંધુએ ૨૦૧૩ અને ૨૦૧૪માં આ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝમેડલ પોતાના નામે કર્યો હતો.