બર્મિંઘમ,
૧ ઓગષ્ટથી ભારત અને ઈંગ્લેંડ વચ્ચે શરુ થવા જઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ટીમ મેદાને ઉતરવાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેંડની ટીમ માટે ૧૦૦૦મી મેચ હશે અને આ સાથે તેઓ ટેસ્ટના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરશે.
ઈંગ્લેંડની ટીમ ૧૦૦૦મી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે એ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને શુભકામનાઓ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંઘમના એજબેસ્ટન ગ્રાઉન્ડ ખાતે બુધવારથી શરુ થશે.
ઈંગ્લેંડની ટીમને આ ખાસ ઉપલબ્ધિ પર શુભેચ્છા આપતા ICCના ચેરમેન શશાંક મનોહરે જણાવ્યું, “ક્રિકેટ પરિવાર તરફથી ઈંગ્લેંડને ૧૦૦૦ ટેસ્ટ મેચ રમવા માટે હું શુભેચ્છા આપું છું. તેઓ આ આંકડા સુધી પહોચાનારો પહેલો દેશ છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેંડની ટીમે અત્યારસુધીમાં ૯૯૯ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ૩૫૭ મેચ જીતી છે, જયારે ૨૯૭માં હાર અને ૩૪૫ મેચ ડ્રો રહી છે.
ઈંગ્લેંડની પ્રથમ મેચ રમવાની વાત કરવામાં આવે તો, ઈંગ્લીશ ટીમે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં ઓસ્ટ્રેલિયા સામે માર્ચ, ૧૮૭૭માં રમી હતી.
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે પ્રથમ ટેસ્ટ જૂન, ૧૯૩૨માં રમાઈ હતી. બંને ટીમો વચ્ચે અત્યારસુધીમાં ૧૧૭ ટેસ્ટ મેચ રમાઈ ચુકી છે. જેમાં ૪૩ મેચમાં ઈંગ્લેંડની ટીમને વિજય મેળવ્યો છે, જયારે ભારતે ૨૫માં વિજય મેળવ્યો છે.