મિદનાપુર,
પીએમ મોદીના એક ઓટોગ્રાફના કારણે એક છોકરી રાતોરાત સ્ટાર બની ગઈ છે. આ છોકરીનું નામ છે રીતા મુડી. તેની ઉંમર ૧૯ વર્ષની છે અને તે કોલકાતાથી ૨૩૦ કિલોમીટર દુર આવેલા સલગેરા ગામમાં રહે છે.
તમને આશ્ચર્ય થશે કે, એક સામાન્ય નાગરિકમાંથી એક સ્ટાર કઈ રીતે બની આ છોકરી ?
હકીકતમાં, ગત ૧૬ જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા અને આ દરમિયાન તેઓએ મિદનાપુરમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી.
ત્યારે આ જાહેરસભામાં ભાષણ સાંભળવા માટે રીતા અને એમની માતા ગયા હતા. પરંતુ આ કાર્યક્રમમાં પંડાલ પડી ગયો હતો જેને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં ૬૭ જેટલા બીજેપી કાર્યકર્તા પણ ઘાયલ થયા હતા.
પંડાલ પડ્યા બાદ ઘાયલોને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને ત્યારબાદ પ્રધાનમંત્રી પોતે ઘાયલોને જોવા માટે હોસ્પિટલ પહોચ્યા હતા. આ દરમિયાન ત્યાં પીએમ મોદીએ ન માત્ર રીતાના હાલચાલ પૂછ્યા હતા, સાથે સાથે તેઓએ રીતાને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
રીતાએ જણાવ્યું હતું કે, “પીએમ મોદી જયારે મારા બેડ પાસે પહોચ્યા તો હું ઘણી ખુશ થઇ ગઈ હતી. મેં એમને કહ્યું કે હું કેટલી ખુશ છુ”. ત્યારબાદ રીતાએ નરેન્દ્ર મોદીને તેમનો ઓટોગ્રાફ આપવા માટે વિનંતી કરી અને તરત જ મોદીએ ઓટોગ્રાફ આપી દીધો. ઓટોગ્રાફમાં એમણે લખ્યું હતું કે “રીતા મુડી તમે સુખી રહો“.
આ ઘટના બાદ રીતાની જિંદગી બદલાય ગઈ છે અને તે પોતાના ગામમાં સ્ટાર બની ગઈ છે. લોકો એમના ઘરે મોદીએ આપેલો ઓટોગ્રાફ જોવા માટે આવી રહ્યા છે. તો બીજી બાજુ હવે એમના માટે લગ્નના માંગા પણ આવવા લાગ્યા છે.
રીતાની માતા સંધ્યાએ પણ કહ્યું કે, “રીતાના લગ્ન માટે 2 માંગા આવી ચુક્યા છે જેમાંથી એક ઝારખંડના ટાટાનગરનો છે. છોકરો બીઝનેસ કરે છે અને એ લોકોની કોઈ ડિમાન્ડ નથી. બીજું માંગુ બનકુરાથી આવ્યું છે અને એ છોકરાની પોતાની જમીન છે પણ મારી છોકરી અત્યારે ભણવા માંગે છે એટલે મેં આ વાતોમાં કોઈ રસ દેખાડ્યો નહી”.