નવી દિલ્હી,
ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર પ્રવિણ કુમારે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. છેલ્લા ૧૩ વર્ષથી ભારતીય ટીમને યાદગાર જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવનાર પ્રવિણ કુમાર હવે માત્ર ONGC કંપની માટે ક્રિકેટ રમશે અને સાથે સાથે તેઓએ બોલિંગ કોચ બનવાની પણ ઈચ્છા જતાવી છે.
ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહેનારા કુમારે કહ્યું હતું કે, “મને કોઈ પસ્તાવો નથી. હું દિલથી રમ્યો છું અને દિલથી બોલિંગ કરી છે”.
પ્રવિણ કુમારે જણાવ્યું, “ઉત્તરપ્રદેશમાં સારા બોલરો છે, જેઓ રાહ જોઈ રહ્યા છીએ અને હું નહિ ઈચ્છતો કે તેઓનું કેરિયર પ્રભાવિત થાય. મારો સમય સમાપ્ત થઇ ગયો છે અને મને આ મૌકો આપવા માટે હું ભગવાનનો આભારી છું”.
તેઓએ પોતાની ઈચ્છા જતાવતા કહ્યું, “હું બોલિંગ કોચ બનવા માંગું છું. લોકો જાણે છે કે, મારા પાસે જ્ઞાન છે. જેથી લાગે છે કે એક એવું ક્ષેત્ર છે જ્યાં હું કામ કરી શકું છું અને મારો અનુભવ યુવાઓને આપી શકું છું”.
પ્રવિણ કુમારનું ક્રિકેટ કેરિયર
ભારતીય ટીમના ઝડપી બોલર પ્રવિણ કુમારે વર્ષ ૨૦૦૫-૦૬માં યુપી માટે રણજી ટ્રોફી રમતા ખૂબ પ્રભાવિત કર્યા હત. આ વર્ષે તેઓએ કુલ ૪૧ વિકેટ ઝડપી હતી અને ૩૮૬ રન બનાવ્યા હતા.
ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ પ્રવિણ કુમારે નવેમ્બર, ૨૦૦૭માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પ્રવિણ કુમારે ભારતીય ટીમ માટે અત્યારસુધીમાં ૬૮ વન-ડે મેચ અને ૬ ટેસ્ટ મેચ રમી છે. ૬૮ વન-ડે મેચમાં કુલ ૭૭ વિકેટ જયારે ૬ ટેસ્ટમાં ૨૭ વિકેટ ઝડપી છે.