ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના ચુંટણીના પરિણામ આવી ગયા છે અને નવાઝ શરીફને હરાવીને ઇમરાન ખાન પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. પરંતુ એક સમય હતો જયારે ૧૯૯૨માં વર્લ્ડ કપ જીત્યા બાદ પાકિસ્તાનનાં કેપ્ટન ઇમરાન ખાને એ સમયના પ્રધાનમંત્રી નવાઝ શરીફને વર્લ્ડ કપની ટ્રોફી આપી હતી.
આ કિસ્સો છે ૪ ઓક્ટોબર ૧૯૮૭. જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ થવાની હતી. આ પહેલા પાકિસ્તાનનો વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સામનો થયો હતો, ત્યારે પાકિસ્તાન ટીમના કેપ્ટન ઇમરાન ખાન હતા.
જો કે આ સમયે પંજાબના મુખ્યમંત્રી નવાઝ શરીફે પોતે ટીમના કેપ્ટન બનવાનો નિર્ણય લીધો આ વાતનો ખુલાસો ઇમરાન ખાને પોતાની આત્મકથા “પાકિસ્તાન અ પર્સનલ હિસ્ટ્રી”માં કર્યો હતો.
આ બુકમાં એમણે લખ્યું છે કે, “૧૯૮૭ ક્રિકેટ વર્લ્ડ કપ રમાય એ પહેલા હું ટીમનો કેપ્ટન હતો. અમારે લાહોરના ગદાફી સ્ટેડીયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે વોર્મ અપ મેચ રમવાનો હતો.
આ મેચ પહેલા ક્રિકેટ બોર્ડના સેક્રેટરી શાહિદ રફીએ ઇન્ફોર્મ કર્યું કે, પંજાબના મુખ્યમંત્રી નવાઝ શરીફ મેચમાં કપ્તાની કરશે. ત્યારે મને લાગ્યું કે નવાઝ શરીફ ડ્રેસિંગ રૂમમાં જ રહેશે અને ખિલાડી તરીકે મેચનો આનંદ લેશે. પણ હું એ સમયે હેરાન રહી ગયો જયારે એ જર્સી પહેરીને ટોસ કરવા માટે પહોચી ગયા. ત્યારે સામે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન વિવિયન રિચર્ડ્સ ટોસ માટે તૈયાર ઉભા હતા.’
ઈમરાને બુકમાં લખ્યું છે કે, ‘ટોસ જીત્યા બાદ નવાઝ શરીફએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ડ્રેસિંગ રૂમમાં આવીને પેડ્સ પહેરવા લાગ્યા. આખી ટીમ હેરાન હતી, કોઈને વિશ્વાસ નહોતો આવતો કે નવાઝ શરીફ ઓપનર મુદસ્સર સાથે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. એ સમયે વેસ્ટ ઇન્ડીઝનો બોલિંગ અટેક સૌથી ખતરનાક માનવામાં આવતો હતો.
ઓપનર બેટ્સમેન મુદસ્સર નજર બેટિંગ માટે પેડ્સ, થાઈ પેડ્સ, ચેસ્ટ પેડ્સ, આર્મ પેડ્સ, હેલ્મેટ અને બેટિંગ ગ્લવ્સ પહેરીને ઉભા હતા અને સામે નવાઝ શરીફ બેટિંગ પેડ્સ અને હેટ પહેરીને ઉભા હતા.’
આગળ લખ્યું છે કે, “પહેલો બોલ નવાઝ શરીફે રમી. સામે ૬ ફૂટ લાંબો બોલર હતો જેને સારા બેટ્સમેનોના કરિયરને પોતાની બોલથી બરબાદ કરી દીધા હતા. એ સમયે વેસ્ટ ઇન્ડીઝના બોલર બેટ્સમેનના શરીર પર મારીને એમણે ઈજા પહોચાડવાની કોશિશ કરતા હતા. પહેલી બોલ એટલી ઝડપથી નવાઝ શરીફ પાસેથી નીકળી કે એ પોતાનું બેટ પણ ઉઠાવી શક્યા નહી. બીજી બોલ પર નવાઝ શરીફ કઈ કરી શક્ય નહી અને આઉટ થઇ ગયા”.