નવી દિલ્હી,
નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભરતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. ઈંગ્લેંડ સામેની ત્રીજી મેચમાં પોતાના બેટ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિરાટ કોહલી વધુ એકવાર ટેસ્ટનો નંબર એક બેટ્સમેન બની ગયો છે.
ટ્રેન્ટબ્રિજ ટેસ્ટ મેચમાં કોહલીએ મેચની બંને ઇનિંગ્સમાં અનુક્રમે ૯૭ અને ૧૦૩ રન ફટકાર્યા બાદ આ રેન્કિંગમાં સુધારો આવ્યો છે અને બોલ ટેમ્પરિંગ મામલે ૧ વર્ષનો પ્રતિબંધિત કરાયેલા ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથને પછાળી ટેસ્ટના નંબર એક બેટ્સમેનનું સ્થાન હાંસલ કર્યું છે.
વિરાટ કોહલીએ ૯૩૭ રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સાથે સાથે રેન્કિંગ પોઇન્ટ મામલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ભારતીય કેપ્ટને ૯૩૪ રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જો કે ત્યારબાદ લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શન બાદ કોહલીએ આ સ્થાન ગુમાવ્યું હતું.
વિરાટ કોહલીએ ટેસ્ટમાં ૯૩૭ રેટિંગ પોઈન્ટ મેળવ્યા બાદ હવે તેઓ સર્વશ્રેષ્ઠ ૧૦ પોઝીશનથી માત્ર એક જ પોઈન્ટ દૂર છે. અત્યારસુધીમાં સર ડોન બ્રેડમેન ૯૬૧ પોઈન્ટ, સ્ટિવ સ્મિથ ૯૪૭ પોઈન્ટ, લેન હટન ૯૪૫ પોઈન્ટ, જેક હોલ્સ અને રિકી પોન્ટિંગ ૯૪૨ પોઈન્ટ, પીટર ૯૪૧ પોઈન્ટ, સર ગેરી સોબર્સ, કલાઈડ વાલકોટ, વિવિયન રિચાર્ડ અને કુમાર સંગાકારા ૯૩૮ પોઈન્ટ હાંસલ કરી ચુક્યા છે.
બીજી બાજુ વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમ તરફથી પણ સૌથી વધુ ૯૩૭ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. આ પહેલા પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે ૧૯૭૯માં ૯૧૬ પોઈન્ટ હાંસલ કર્યાં હતા.