કલકત્તા
કલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ક્વોલિફાયર-૨ ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૧૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. SRH દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૬૦ રન જ બનાવી શકી હતી. આ વિજય સાથે હૈદરાબાદે IPLની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને તેનો મુકાબલો રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ખિતાબી જંગ જામશે. જયારે આ પરાજય સાથે કોલકાતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.
SRHના શાનદાર વિજયના હિરો સ્પિન બોલર રાશિદ ખાન, ઓપનર બેટ્સમેન શિખર ધવન અને રીદ્ધિમાન સહા રહ્યા હતા, પરંતુ રાશિદ ખાનને તેના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ખાને માત્ર ૧૦ બોલમાં ૩૪ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી તેમજ ૪ ઓવરમાં માત્ર ૧૯ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૭૪ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન શિખર ધવન અને વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સહાની જોડીએ પ્રથમ વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી નોધાવી હતી. ધવન ૨૪ બોલમાં ૪ ચોક્કા અને ૧ સિક્સર સાથે ૩૪ રન ફટકારી સ્પિન બોલર કુલદીપ યાદવનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે સહા ૨૭ બોલમાં ૩૫ રન બનાવી આઉટ થયો હતો.
જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન કેન વિલિયમસન માત્ર ૩ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન શાકિબ ઉલ હસને ૨૪ બોલમાં ૨૮ રન ફટકાર્યા હતા. મેચની અંતિમ ઓવરોમાં રાશિદ ખાને માત્ર ૧૦ બોલમાં ૪ ગગનચુંબી સિક્સર અને ૨ ચોક્કા સાથે ૩૪ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. KKR તરફથી કુલદીપ યાદવે ૨ જયારે સુનિલ નરેન અને શિવમ માવીએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૬૦ રન જ બનાવી શકી અને આ હાર સાથે જ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ હતી. ૧૭૫ રનના લક્ષ્યનો પીછો કરતા KKRની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન સુનિલ નરેન અને ક્રિશ લીનની જોડીએ માત્ર ૩.૨ ઓવરમાં ૪૦ રનની ભાગીદારી નોધાવી હતી. નરેન માત્ર ૧૩ બોલમાં ૨૬ રન ફટકારી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે લીને ૩૧ બોલમાં ૬ ચોક્કા અને ૨ સિક્સર સાથે ૪૮ રન ફટકાર્યા હતા.
પ્રથમ વિકેટે ૪૦ રનની ભાગીદારી બાદ ક્રિઝ પર આવેલા નીતિશ રાનાએ ૧૬ બોલમાં ૨ સિક્સર અને ૧ ચોક્કા સાથે ૨૨ રન ફટકાર્યા હતા જયારે અન્ડર ૧૯ના યુવા બેટ્સમેન શુભમાન ગીલે ૨૦ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ પોતાની ટીમને વિજય અપાવી શક્યા ન હતા. SRH તરફથી સ્પિન બોલર રાશિદ ખાને સૌથી વધુ ૩ જયારે સિદ્ધાર્થ કોલ અને કાર્લોસ બ્રેથવેઇટે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.