Lifestyle: ચોમાસાની ઋતુમાં આદુને લાંબા સમય સુધી તાજું બનાવી રાખવાનું કામ ગૃહિણીઓ માટે પડકારજનક હોય છે. આ સંજોગોમાં, તમે કેટલીક આસાન ટિપ્સ (Tips) ફૉલો કરીને લાંબા સમય સુધી આદુને તરોતાજા રાખી શકો છો.
ચોમાસા (Monsoon Season)માં મોટાભાગે, ભેજના કારણે શાકભાજી (Vegetables) તાજી રહેતી નથી, ગૃહિણીઓ માટે આ કાર્ય પડકારજનક બની જાય છે. બજારમાંથી શાકભાજી લાવ્યા બાદ, એની સાચવણી કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ખાસ કરીને, આદુ (Ginger)ને યોગ્ય રીતે સ્ટોર (Store) કરવામાં ન આવે તો ભેજના કારણે તેમાં ફૂગ લાગવાની અને સડો થવાની તકલીફો ઊભી થઇ શકે છે.
ચોમાસામાં આદુવાળી ચા (Ginger Tea) પીવાની લિજ્જત જ કંઇક ઓર હોય છે! પણ સમસ્યા એ છે કે, વરસાદી વાતાવરણમાં આદુ જલદી બગડી જતું હોય છે. જો આદુને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો એમાં ભેજના કારણે ફૂગ લાગવાની અને સડો લાગવાની તકલીફો ઊભી થઇ શકે છે અને આવું વાસ મારતું આદુ આખરે ફેંકી દેવુ પડે છે.

એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો
ચોમાસાની ઋતુમાં ભેજ (Humidity)નું પ્રમાણ વધારે હોવાથી આદુ બહુ જલદી ખરાબ થઇ જાય છે. આવા સંજોગોમાં એને ખુલ્લું રાખવા કરતા હવાચુસ્ત ડબામાં સ્ટોર કરવું વધારે યોગ્ય છે. આ માટે સૌપ્રથમ, આદુને સારી રીતે ધોઇ લેવું પછી એને સારી રીતે સૂકાવા દેવું જેથી એમાં પાણીનો ભાગ ન રહી જાય! જો આવું થશે તો આદુ ખરાબ થઇ જશે. હવે સુકાયેલા આદુને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રિઝમાં મૂકી દો. આ પ્રમાણે કરવાથી, ઘણા દિવસો સુધી તમારું આદુ તાજું (Fresh) રહેશે.
પેસ્ટના સ્વરુપમાં સ્ટોર કરો
આદુની લાંબા સમય સુધી સાચવણી કરવા માટે તમે એની પેસ્ટ (Ginger Paste) બનાવીને રાખી શકો છો. સૌપ્રથમ, આદુને સાફ કરીને છોલી લેવું ત્યારબાદ, નાના-નાના ટુકડાંમાં સમારી લો હવે મિક્સરના જારમાં નાખીને એમાં બે ચમચી તેલ અને થોડું મીઠું ઉમેરી લો, હવે એની સ્મૂધ પેસ્ટ બનાવી લો. અહિં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, એમાં જરા પણ પાણી ઉમેરવાનું નથી. હવે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી લો. આ પેસ્ટને તમે ઘણા દિવસ સુધી વાપરી શકો છો.

મીઠું લગાવીને સ્ટોર કરો
આદુની જાળવણી માટે તમે એને મીઠામાં ડુબાડીને પણ સ્ટોર કરી શકો છો. લાંબા સમય સુધી આદુને ફ્રેશ રાખવા માટેનો આ એક અસરકારક ઉપાય છે. આ માટે આદુને સાફ કરીને નાના-નાના ટુકડાઓમાં કાપી લો . ત્યારબાદ, હળવું મીઠું ભભરાવીને હલાવી લો અને એક ભેજવિહીન કાચની બોટલમાં ભરી લો. આ નુસખા વડે તમારું આદુ લાંબા સમય સુધી તરોતાજા રહેશે.
આ પણ વાંચો: ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
આ પણ વાંચો: આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!
આ પણ વાંચો: બજારમાં વેચાતા અને શિયાળામાં ખૂબ ખવાતા આદુ અસલી છે કે નકલી? ઓળખો આ રીતે
