Rajkot News : ગુજરાત ભાજપના વિદાય લેતા પ્રમુખ સી.આર. પાટીલે આજે તેમના સંબોધનમાં તેમના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રીય સહકારી સંસ્થા ઈફકોમાં મેન્ડેટ મુદે જે વિવાદ સર્જાયો હતો તે અંગે આજે પહેલીવાર જાહેરમાં જ મેન્ડેટ પ્રથા સામે વિરોધ ઉઠાવનાર પક્ષના અગ્રણીઓ સામે આકરા પ્રહાર કર્યા હતા.
મે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા ચાલુ કરી તો પક્ષના જ કેટલાક નેતાઓને તે ગમ્યું ન હતું, એમ પાટીલે કહ્યું હતું. વધુમાં પાટીલે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારા અને સહકાર ક્ષેત્રમાં ગોઠવાઈ જતા તેનો વિરોધ પણ કર્યો તેઓએ એવો પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. ત્યારે મે કહ્યું કે ભાજપ હોય કે સહકારી ક્ષેત્રનું પણ મેન્ડેટ પ્રથા એ મહત્વનું છે.
મે તેને કહ્યું કે તો પછી શા માટે એમએલએ અને એમપીમાં શા માટે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે તે આપણું! ભારતીય જનતા પાર્ટી અને તેનું સંગઠન શિસ્ત સાથે બંધાયેલુ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાંઈ પણ કરે તે પક્ષના નોલેજમાં હોવું જોઈએ. જયારે ચૂંટણી લડતો હોય પછી સહકારી સંસ્થાનો હોય પણ શિસ્તની દ્દષ્ટિ લડાવવું જોઈએ.
આમ કહીને પાટીલે ઈફકોમાં જે રીતે દીલીપ સંઘાણી અને જયેશ રાદડીયાએ મેન્ડેટ સામે બળવો કર્યો હતો અને ઈફકોમાં રાદડીયાની જીત નિશ્ચિત કરી હતી તે અંગે પ્રથમ વખતે પોતાની સંપૂર્ણ નારાજગી દર્શાવી હતી. આમ પ્રથમ વખત પાટીલે જાહેરમાં પક્ષના બે મહત્વના અગ્રણીઓને આડેહાથે લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ સમયે જયેશ રાદડીયા પણ હાજર હતા
હાલમાં જ જે રીતે રાજકોટમાં સહકાર સંમેલન યોજીને અને તેમાં ગૃહમંત્રી અમિત શાહને બોલાવીને પોતાનું શકિત પ્રદર્શન કર્યું તે પછી મંત્રીમંડળમાં ફરી તેમને લેવાશે તેવી ચર્ચા છે. તે વચ્ચે આ પાટીલના વિધાનો મહત્વના બની જશે.
આજે કમલમમાં નવા પ્રદેશ પ્રમુખને આવકારતા સી.આર.પાટીલે જણાવ્યું કે ભાજપમાં કાર્યકર્તાઓની જવાબદારી બદલે છે પરંતુ પક્ષ સતત ચાલતો રહે છે. મારી પાસે ત્રણ વર્ષ જવાબદારી હતી અને તે બાદ વધારે સમય પણ કામ કરવાની તક મળી તે મારું સદભાગ્ય છે. શ્રી પાટીલે કહ્યું કે પાંચ વર્ષના સમયગાળામાં લોકસભા અને ધારાસભા ચૂંટણીમાં એક-એક કરોડ આપણને મળ્યા છે. તેમણે કહ્યું કે આપણને જો ત્રણ લાખ વધુ મત મળ્યા હોત તો 182 બેઠક ધારાસભ્યમાં આવી હોત તે ચોકકસ છે.
156 સુધી રહ્યા હતા અને પેટાચૂંટણીમાં 165 સુધી પહોંચી શકયા. પરંતુ 182 ન થઈ શકયા તેનો મને અફસોસ રહેશે. તેમણે કહ્યું કે હવે આપણે 182 બેઠકો જીતવાની છે. પાટીલે આ તકે એમ પણ કહ્યું કે મારા નિર્ણયથી જો કોઈને દુખ થયુ હોય તો હું માફી માંગુ છું. પરંતુ ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી છે જે ઈચ્છે છે તેને જ મેન્ડેટ મળે છે. આપણો જન્મ જીતવા માટે થયો હોય તે રીતે આગળ વધવાનું છે.
પાટીલે આ તકે અરવિંદ કેજરીવાલનું કે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે દિલ્હીથી આવેલી એક પાર્ટીએ મને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મારા વતી કાર્યકર્તાઓએ તેમને પાઠ ભણાવ્યો અને તેના પાંચ સિવાયના ઉમેદવારની ડિપોઝીટ ડુલ થઈ. ભાજપને નુકસાન કરવાની કોઈની તાકાત નથી. તેમણે પોતાના કાર્યકાળમાં સાથ આપનાર સૌનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Panchmahal News/હાલોલ GIDC માં એગ્રો કંપનીની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત, પાંચ કામદારો દાઝી ગયા, તપાસ શરૂ
આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત
આ પણ વાંચો: Bharuch-Gas Leak/કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ
