હિજાબ વિવાદ/ સુરતની સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા હિન્દૂ સંગઠનનો વિરોધ

સુરતના વરાછામાં કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

Gujarat Surat
હિજાબ
  • સુરતઃ હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા વિવાદ
  • પી.પી. સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન
  • હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા રોષે ભરાયા સ્થાનિક
  • હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા
  • પોલીસે વિરોધ કરતા આગેવાનોની કરી અટકાયત

સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી સ્કૂલમાં કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને શાળાએ આવી હતી. જેની જાણ હિંદુ સંગઠનોના આગેવાનોને થતા આગેવાનો શાળા પર પહોંચી આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને કાપોદ્રા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.અને વિરોધ કરી રહેલા હિંદુ સંગઠનોના આગેવાનોની અટકાયત કરી હતી.મહત્વવનું છે કે આ ઘટના બાદ શાળાની બહાર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.જેથી ફરીથી કોઈ તણાવ ભરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય.

કર્ણાટકનો હિજાબ વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે, જેના પડઘા હવે ગુજરાતમાં શરૂ થયા છે. આજે સુરતના વરાછામાં કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર ભેગા થઈ ગયા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા.

સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી ચાલી રહી હતી જેમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી. પરીક્ષા શરુ થઈ તે પહેલા પાંચેક છોકરીઓ હિજાબ પહેરીને સ્કૂલમાં આવી હોવાની માહિતી હિન્દુવાદી સંગઠનના લોકોને મળી હતી. ત્યારબાદ તેઓ સ્કૂલે પહોંચ્યા હતા અને આ મામલે વિરોધ કરી પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરી હતી. હિન્દુવાદી સંગઠનના કાર્યકરોનો આક્ષેપ છે કે હિજાબ પહેરીને સ્કૂલે આવવું એક ષડયંત્રનો ભાગ છે, અને ગુજરાતમાં પણ આ વિવાદ ઉભો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્કૂલમાં પાંચેક જેટલી છોકરીઓ હિજાબ પહેરીને આવી હોવાની કેટલીક વિડીયો ક્લિપ્સ પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, હોબાળા બાદ પોલીસ પહોંચી ત્યારે પણ આ છોકરીઓ સ્કૂલમાં જ હાજર હતી. જોકે, પોલીસે સમગ્ર મામલાની તપાસ ના થાય ત્યાં સુધી કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાતમાં હિજાબ વિવાદની સુરતથી એન્ટ્રી થઇ ગઈ છે. સુરતમાં અગાઉ સોશિયલ મીડીયામાં એક પોસ્ટર ફરી રહ્યું હતું. જેમાં હિજાબ મામલે રેલીનું આહવાન કરાઇ રહ્યું હતું. સોશિયલ મીડીયામાં ફરતા પોસ્ટરોથી તંત્રની ચિંતામાં વધારો થયો હતો.

આ પણ વાંચો :રાજકોટમાં યુવકે રોફ જમાવવા કર્યું હવામાં ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :સુરત બાદ હવે વેરાવળમાં પણ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા, સાથે લાવ્યો હતો એસિડ 

આ પણ વાંચો :રાજકોટમાં પ્લે હાઉસમાં ભણતી બાળકીને લિફ્ટમાં માનસિક વિકૃત યુવાને માર્યો માર

આ પણ વાંચો :દિયર-ભાભીએ ટ્રેન નીચે પડતું મૂકીને ટુંકાવ્યું જીવન, પતિ બોલ્યો મારો નાનો દીકરો છે…