– સુરેન્દ્રનગરમાં સર્જાઇ વધુ એક કરૂણાંતિકા : સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ દોડતી થઇ
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા નવા જંક્શન રોડ પર ભૂગર્ભ ગટર માટે સમ્પ બનાવવામાં આવ્યો છે. આ સમ્પમાં ઓપરેટર તરીકે કામ કરતો યુવાનનું આ સમ્પમાં ડુબી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ગોઝારી ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના નવા જંક્શન રોડ પર અંજુ મંજુ શોપિંગ સેન્ટર પાછળ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત સમ્પ બનાવાયો છે. અને આ સમ્પ પર ઓપરેટર તરીકે 21 વર્ષીય કલ્પેશ રામજીભાઇ ભોજવીયા ફરજ બજાવે છે.
ત્યારે કોઇ કારણસર ઓપરેટર કલ્પેશ ભોજવીયા ભૂગર્ભ ગટર યોજનાના સમ્પમાં પડી ગયો હતો. આ ગોઝારા બનાવની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગના અશોકસિંહ પરમાર, રાહુલભાઇ ડોડીયા, સંજયભાઇ ચૌહાણ, જયભાઇ રાવલ અને શક્તિસિંહ પરમાર સહિતાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને સમ્પના ઊંડા પાણીમાંથી મહા મહેનતે કલ્પેશ ભોજવીયાની લાશ બહાર કાઢી હતી. આ બનાવની જાણ થતાં બીટ જમાદાર વનરાજસિંહ જાદવ સહિતનો પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.