New Delhi News : પશ્ચિમ બંગાળ (West Bengal)માં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court)ચૂંટણી પંચ પાસેથી મહત્વપૂર્ણ માહિતી માગી છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ECIને નોટિસ પાઠવીને SIR દરમિયાન મતદાર યાદીમાંથી નામ દૂર કરાયેલા લોકો દ્વારા કરવામાં આવેલી અપીલો પૈકી અત્યાર સુધીમાં કેટલા કેસોનો નિકાલ થયો તેની વિગતો રજૂ કરવા કહ્યું છે.

જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે SIR સંબંધિત અપીલોની સુનાવણી માટે રચાયેલા ટ્રિબ્યુનલના કામકાજ અંગે પણ માહિતી માંગી હતી. અરજીમાં પશ્ચિમ બંગાળના દરેક બ્લોકમાં SIR સંબંધિત અપીલો માટે ટ્રિબ્યુનલની વ્યવસ્થા કરવા અને કેસોનો સમયસર નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે.
“આ ગતિએ આગામી ચૂંટણી આવી જશે”
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અપીલોના નિકાલની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી. CJIએ મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે “આ ગતિએ અપીલોની સુનાવણી પૂર્ણ કરવામાં આગામી ચૂંટણી આવી જશે.”
કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર કેટલી અપીલો દાખલ થઈ તે જાણવું પૂરતું નથી, પરંતુ તેમાંથી કેટલા કેસોનો વાસ્તવમાં નિકાલ થયો છે તે પણ મહત્વપૂર્ણ છે. ટ્રિબ્યુનલના પ્રદર્શન અંગે પૂરતો ડેટા મળ્યા બાદ તેની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તે અંગે પણ વિચારણા થઈ શકે છે.
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર વકીલે કોર્ટને સંબંધિત સંપૂર્ણ ડેટા રજૂ કરવાની ખાતરી આપી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 25 ઓગસ્ટે થશે.
ન્યાયાધીશોની મૌખિક ટિપ્પણીના દુરુપયોગ મામલે પણ નોટિસ
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સુનાવણી દરમિયાન કરવામાં આવતી મૌખિક અને પ્રતીકાત્મક ટિપ્પણીઓના કથિત દુરુપયોગને લઈને દાખલ કરવામાં આવેલી PIL પર પણ નોટિસ જારી કરી છે.
અરજીમાં દેશમાં મોટી સંખ્યામાં કથિત નકલી વકીલો અને નકલી કાયદાની ડિગ્રી અંગે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે CBI તપાસની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આ અરજીમાં કેન્દ્ર સરકાર, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY), બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને CBIને નોટિસ પાઠવી છે. આ કેસની આગામી સુનાવણી 10 સપ્ટેમ્બરે થશે.
