Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા મેળવવામાં આવેલા ‘સ્વચ્છતામાં નંબર-1’ ના એવોર્ડ સામે હવે સવાલોના વાદળો ઘેરાયા છે. સુરતની સામાન્ય સભામાં આજે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને કારણે શહેરનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષનો આરોપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારને ખોટી માહિતી આપીને આ એવોર્ડ મેળવવામાં આવ્યો છે, જે વાસ્તવમાં એક મોટી છેતરપિંડી છે.
સામાન્ય સભામાં હોબાળો
સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ આક્રમક તેવર બતાવતા જણાવ્યું હતું કે, સુરત શહેરને જે એવોર્ડ મળ્યો છે તે ગ્રાઉન્ડ રિયાલિટી કરતા તદ્દન અલગ છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સુરત શહેરમાં દરરોજ નીકળતા કચરાનું વૈજ્ઞાનિક ઢબે 100 ટકા પ્રોસેસિંગ થતું નથી. આમ છતાં, કાગળ પર બધું જ બરાબર બતાવીને કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી છે.

કચરાના પહાડ
સભામાં ‘કચરાના પહાડ’નો મુદ્દો મુખ્ય કેન્દ્ર સ્થાને રહ્યો હતો. વિપક્ષે રજૂઆત કરી હતી કે જો 100 ટકા પ્રોસેસિંગ થતું હોય, તો શહેરમાં હજી પણ કચરાના વિશાળ પહાડો કેમ દેખાય છે? આ કચરો પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યો છે. આરોપ મુજબ, પાલિકાના અધિકારીઓએ એવોર્ડ મેળવવાની લાલચમાં રાજ્ય સરકારના પત્રની પણ છેલ્લાં પાંચ મહિના સુધી અવગણના કરી હતી, જેમાં આ ગંભીર ક્ષતિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
વિપક્ષના પ્રહારો
વિપક્ષ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે ખોટી માહિતી આપવા પાછળ કયા અધિકારીઓ જવાબદાર છે તેમની તપાસ થાય. કેન્દ્ર સરકારની ટીમને ગેરમાર્ગે દોરવા બદલ કડક પગલાં લેવામાં આવે. આ એવોર્ડ પાછળ થયેલા ખર્ચ અને વાસ્તવિક કામગીરીનું ઓડિટ કરવામાં આવે.
રાજકારણમાં ગરમાવો
આ ઘટસ્ફોટ બાદ સુરત પાલિકાના સત્તાધારી પક્ષ માટે બચાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે. એક તરફ સુરત ગર્વથી પોતાને સ્વચ્છ શહેર ગણાવે છે, ત્યારે બીજી તરફ ‘ડેટા મેનીપ્યુલેશન’ના આ આક્ષેપોએ પાલિકાની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. શહેરના જાગૃત નાગરિકોમાં પણ એવી ચર્ચા છે કે જો એવોર્ડ માત્ર કાગળ પર હોય અને જમીન પર કચરાના પહાડો હોય, તો તે વિકાસનું સાચું મોડલ નથી. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ મામલે કોઈ તપાસ સમિતિ નિમે છે કે પછી સુરતનો ‘નંબર-1’ નો તાજ વિવાદોમાં જ ઘેરાયેલો રહેશે.
આ પણ વાંચો:સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો
આ પણ વાંચો: સુરતમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ છ મહિનામાં જ બિસ્માર
આ પણ વાંચો: દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું સુરત કનેક્શન! અજિત પવારના વિમાનમાં ISPL ઓનરનો પરિવાર આવ્યો હતો
