કોરોના/ નેતાઓ ‘આભાર’,સુરતને નં.1 બનાવવા માટે, એક વર્ષમાં પહેલીવાર કોરોનાએ બનાવ્યો નવા રેકોર્ડ

સુરતમાં નવા સ્ટ્રેનથી માથાનો દુ:ખાવો, ખાંસી નહીં પણ પેટમાં દુ:ખાવો થાય છે.

Gujarat Surat Trending
lalit vasoya 2 નેતાઓ ‘આભાર’,સુરતને નં.1 બનાવવા માટે, એક વર્ષમાં પહેલીવાર કોરોનાએ બનાવ્યો નવા રેકોર્ડ

સુરતમાં નવા સ્ટ્રેનથી માથાનો દુ:ખાવો, ખાંસી નહીં પણ પેટમાં દુ:ખાવો થાય છે.

સુરત શહેરમાં કોરોનાના 349 અને જિલ્લામાં 101 મળી કુલ 450 નવા કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જે છેલ્લા એક વર્ષમાં કોરોના ફેલાયો ત્યારથી રાજ્યભરમાં સૌથી વધુ છે. અગાઉ 21 નવેમ્બરે અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 373 કેસ નોંધાયા હતા. સુરતમાં કેસ વધવા પાછળ ચૂંટણીના રાજકીય મેળાવડાઓ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

ચૂંટણીમાં પાલિકા તંત્રએ પણ કોઇપણ પ્રકારની ગંભીરતા દાખવી નહીં અને યુકે સ્ટ્રેન શહેરભરમાં ફેલાઇ ગયો ત્યાર પછી પાલિકા હરકતમાં આવી છે અને તેને અંકુશમાં લેવા પાબંદીઓ લગાવવામાં આવી છે. જોકે શહેરના અઠવા, રાંદેર, લિંબાયત સહિતના વિસ્તારોમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે તેની તુલનાએ વરાછા એ અને બી તથા કતારગામ વિસ્તારમાં ઓછા કેસ મળી રહ્યા છે.

સુરતમાં નવા સ્ટ્રેનને કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો ઇનવિઝિબલ હોવાનો પાલિકાનો દાવો છે. આ સ્ટ્રેનમાં માથું દુ:ખવું, ખાંસી આવવી સહિતના કોઇપણ લક્ષણો દેખાતા નથી. પરંતુ કેટલાક કિસ્સામાં સામાન્ય તાવની ફરિયાદો મળે છે. જ્યારે મહત્તમ કિસ્સામાં પેટમાં દુ:ખાવો થાય છે. અગાઉ સામાન્ય કોરોનામાં પેટમાં દુ:ખાવો એ લક્ષણમાં ન હતું. ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું કે, નવા સ્ટ્રેઇનમાં માથું નથી દુખતું, ખાંસી નથી આવતી, તાવ નથી આવતો એટલે કોરોનાના કોઇ લક્ષણો દેખાતા નથી.પરંતુ જે કોઇ લોકોને અશક્તિ, ડાયેરિયા (ઝાડા-ઉલ્ટી) કે શરીર દુ:ખે એવા પણ લક્ષણો હોઇ તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ…

સિવિલમાં પહેલાં કોરોનાથી ચિંતિત 50 લોકો સામાન્ય લક્ષણમાં પણ ઓપીડી કરાવતાં હતાં. જે વધીને હવે રોજ 150 દર્દીઓ સિવિલમાં સંભવિત લક્ષણ સાથે આવે છે. 10 દિવસ પહેલાં માંડ 4 કેસ પોઝિટિવ મળી રહ્યાં હતાં તે વધીને હવે રોજ 15થી 20 કેસ સંક્રમિત મળ્યાં છે.જેમાંથી છેલ્લી ઘડીએ આવતાં 2થી 3 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી રહી છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ રોજ 100 જેટલાં દર્દી ઓપીડી માટે આવે છે. તેમાંથી 10થી 15 દર્દી શંકાસ્પદ લાગતાં એડમિટ કરવામાં આવી રહ્યાં છે. સ્મીમેરમાં 23 દર્દીઓને દાખલ કરાયા છે. જેમાં 1 વેન્ટિલેટર પર, 6 બાઇપેપ અને 10 ઓક્સિજન ઉપર છે. જેમાંથી 2 દર્દીઓના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે.

ટેક્સટાઇલને હજાર કરોડ અને હીરા બજારને 1200 કરોડનું નુકસાન

કાપડ માર્કેટ શનિ-રવિ, હીરા બજાર રવિ-સોમ બંધ, શહેરમાં આંશિક લોકડાઉન ગણવામાં આવે છે. બે દિવસમાં ટેક્સટાઇલ બજારને 1000 કરોડ અને હીરા બજારમાં 1200 કરોડના નુકસાનનો અંદાજ છે. ટેક્સટાઈલ વેપારીઓ અને ડાયમંડ વેપારીઓ સાથે પાલિકામાં બેઠક યોજાઈ હતી. તેમાં ટેક્સટાઈલ માર્કેટોને શનિ-રવિ અને ડાયમંડ યૂનિટ અને હીરા બજારને રવિ-સોમ બંધ કરાશે જેથી ટેક્સટાઇલને હજાર કરોડ અને હીરા બજારને 1200 કરોડના નુકસાનનો અંદાજ છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે છેલ્લા 15 દિવસથી પરિસ્થિતિ વિકટ બની જતાં પાલિકા કમિશનર ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ આદેશ કરી અધિકારીઓને શહેરમાં બહારગામથી પ્રવેશતાં લોકોની તપાસ કરવા, કોન્ટ્રેક ટ્રેસિંગ સહિતની જવાબદારી સોંપી રહ્યાં છે.

શોપિંગ મોલ બંધ, ભીડ થશે તો લારી-ગલ્લા બંધ કારાવશે

શોપિંગ મોલ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ શનિ-રવિ બંધ કરવાનો આદેશ પાલિકાએ કર્યો છે. આ ઉપરાંત પાનના ગલ્લાઓ, કેન્ટિન, ચ્હાની લારીઓ અને ખાણીપીણીના સ્ટોલ પર જો ભીડ દેખાશે તો તેમને પણ બંધ કરાવી દેવામાં આવશે. શોપિંગ મોલ બંધ રહેતા દૈનિક 25 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. તેમજ જે દૂકાનોમાં માસ્ક પહેરતા ન જણાય તો અડધા દિવસ માટે તે દૂકાન બંધ કરી દેવા સુધીના પગલાં જાતે ભરવા તાકીદ કરવામાં આવી છે.