Surat News: સુરત જિલ્લા કોર્ટને “5000 કિલો RDX બોમ્બ” (Surat Court Bomb Threat) મુક્યાની ધમકી આપતો ઈ-મેઈલ મોકલી સમગ્ર શહેરમાં ભયનું વાતાવરણ ઉભું કરનાર મુખ્ય આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા, મૂળ બિહારના દરભંગાનો રહેવાસી અને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો બેરોજગાર રત્નકલાકાર છે.
13 જુલાઈએ આવ્યો હતો ધમકીભર્યો મેઈલ
13 જુલાઈ, 2026ના રોજ સાંજે લગભગ 6:13 વાગ્યે સુરત જિલ્લા કોર્ટ (Surat Court Bomb Threat)ના સત્તાવાર ઈ-મેઈલ પર અજાણ્યા ઈ-મેઈલ આઈડી પરથી સંદેશ મોકલવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે “Cort ma 5000 kg Rdx Bomb”. આ મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. સમગ્ર કોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરાઈ હતી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
Surat Court Bomb Threat: ખાન સરના વીડિયો અને AIથી શીખ્યો ઈ-મેઈલનો ઉપયોગ
સાયબર ક્રાઈમના જણાવ્યા મુજબ, ધોરણ-9 સુધી અભ્યાસ કરેલા રમણ મિશ્રાએ યુટ્યુબ પર ખાન સરના શૈક્ષણિક વીડિયો અને અન્ય ઓનલાઈન સામગ્રી જોઈ ઈ-મેઈલનો ઉપયોગ તથા AI પ્લેટફોર્મથી કન્ટેન્ટ બનાવવાનું શીખ્યું હતું. સોશિયલ મીડિયા પર સતત બોમ્બ (Surat Court Bomb Threat) ધમકીના સમાચાર જોઈ તેણે પણ ભયનું વાતાવરણ ઉભું કરવાની યોજના બનાવી હતી.

ઓળખ છુપાવવા પાડોશીનો હોટસ્પોટ લીધો
પોલીસ તપાસમાં ખુલ્યું કે રમણે પોતાનું ઈન્ટરનેટ વાપરવાને બદલે બિલ્ડિંગમાં રહેતા એક ઓળખીતાનો મોબાઈલ હોટસ્પોટ માગ્યો હતો. ત્યારબાદ તે બિલ્ડિંગના ટેરેસ પર ગયો અને માત્ર થોડા જ મિનિટોમાં કોર્ટને ધમકીભર્યો ઈ-મેઈલ મોકલી દીધો. અન્ય વ્યક્તિ આવી જતા તે તરત જ નીચે ઉતરી ગયો હતો.
બેરોજગાર હોવાથી આખો દિવસ સોશિયલ મીડિયા પર રહેતો
રમણ અગાઉ હીરા ઉદ્યોગમાં કામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો. પરિવારના જણાવ્યા મુજબ પત્ની સતત કામ કરવા સમજાવતી હતી છતાં તે મોટાભાગનો સમય રૂમમાં રહી યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને AI ટૂલ્સનો ઉપયોગ કરતો હતો.
સુપ્રીમ કોર્ટ માટે પણ તૈયાર કર્યો હતો ડ્રાફ્ટ
પોલીસે આરોપીનો મોબાઈલ તપાસતા ઈ-મેઈલના ટ્રેશ ફોલ્ડરમાંથી એક ડિલીટ કરાયેલો ડ્રાફ્ટ પણ મળ્યો હતો. આ ડ્રાફ્ટ દેશની સુપ્રીમ કોર્ટને મોકલવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં “Angrej hamare countray ko barbad kar ke gaye hai” જેવા શબ્દો લખાયેલા હોવાનું સામે આવ્યું છે. જોકે આ મેઈલ મોકલાયો નહોતો.
આરોપી સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી
સાયબર ક્રાઈમ પોલીસે આરોપી સામે BNS કલમ 351, 353 તેમજ IT એક્ટની કલમ 66F(2) (સાયબર ટેરરિઝમ) હેઠળ ગુનો નોંધ્યો છે. કોર્ટ દ્વારા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે હવે તેની વધુ પૂછપરછ ઉપરાંત માનસિક સ્થિતિ અંગે સાયકોલોજિકલ એનાલિસિસ પણ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:સુરતના ઉમરામાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ઈ-મેલથી ધમકી, બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
આ પણ વાંચો:સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ
આ પણ વાંચો:સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ મહેસાણા પોસ્ટ ઓફિસ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
