Surat News/ વરાછા SBI બેંકમાં 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, UP થી 2 આરોપીઓ ઝડપાયા

Suratના વરાછામાં SBI બેંકમાં ૫૨ લાખની લૂંટ કરનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા-ગોંડાથી ઝડપી લીધા છે. જાણો કેવી રીતે પોલીસે ઉકેલ્યો લૂંટનો ભેદ.

Gujarat Top Stories Surat
Surat SBI Bank Robbery Case

Surat SBI Bank Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં થયેલી 52 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ધોળા દિવસે પિસ્તોલની અણીએ બેંક સ્ટાફને બંધક બનાવી લૂંટ ચલાવનાર ટોળકીના બે સાગરીતોને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે.

Surat SBI Bank Robbery Case

UPના અયોધ્યા અને ગોંડામાં પોલીસનો સપાટો

લૂંટની ઘટના બાદ સુરત પોલીસ કમિશનરના આદેશથી ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસને કડી મળી હતી કે આરોપીઓ ઉત્તર પ્રદેશ ભાગી ગયા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે UP પહોંચીને શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંઘ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવાની તજવીજ

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને આજે ઉત્તર પ્રદેશની ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી રહી છે. રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓને સુરત લાવવામાં આવશે, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે અને લૂંટાયેલી રકમ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

Surat SBI Bank Robbery Case

Surat : શું હતી સમગ્ર ઘટના?

ગત 27મી એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં વરાછાની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં પાંચ હિન્દીભાષી યુવાનો ઘૂસી આવ્યા હતા, જેમણે પિસ્તોલ કાઢીને મહિલા સ્ટાફ અને ગ્રાહકોને બાનમાં લીધા હતા. આ લૂંટારુઓએ બે તબક્કે લૂંટ ચલાવી હતી, જેમાં શરૂઆતમાં કેશિયર પાસેથી 12 લાખ રૂપિયા લૂંટ્યા અને તે જ સમયે બેંકમાં કેશ ડિપોઝીટ વેન પૈસા ભરેલું બોક્સ લઈને આવતા, તેમને પણ બાનમાં લઈ તેમાંથી બીજા 40 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. આમ, કુલ ૫૨ લાખ રૂપિયા થેલામાં ભરી અને સ્ટાફના મોબાઈલ ફોન છીનવીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી અવરજવર ઓછી હતી જેનો લૂંટારુઓએ ફાયદો ઉઠાવ્યો હતો. હવે સુરત લાવ્યા બાદ તેમની પૂછપરછમાં આ ટોળકીમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.


આ પણ વાંચો: સુરતમાં ડમ્પરની ટક્કરે L&Tના યુવાન એન્જિનિયરનું કમકમાટીભર્યું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: સુરતમાં બ્રાહ્મણ દીકરીને મુસ્લિમ યુવક ભગાડી જતાં ચકચાર

આ પણ વાંચો: સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ગડબડ,ઘી-આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ, મનપાની કડક કાર્યવાહી