Terrorist Attack/ ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, પોલીસ તપાસમાં આતંકવાદીનો મોટો ખુલાસો

ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ. આતંકી શાહનવાઝે પૂછપરછમાં ખુલાસો કર્યો. શાહનવાઝ NIAનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. જેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું.

Top Stories Gujarat
Mantay 24 ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, પોલીસ તપાસમાં આતંકવાદીનો મોટો ખુલાસો

ગુજરાતમાં આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટથી હુમલો કરવાની યોજના હતી. આંતકીઓનો આ પ્લાન નિષ્ફળ થયાનો મોટો ખુલાસો થયો છે. ISIS ગુજરાતમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું હોવાની  પોલીસ કસ્ટડીમાં રહેલ આતંકી શાહનવાઝે દિલ્હી પોલીસની પૂછપરછમાં જણાવ્યું. આતંકી શાહનવાઝે એ પણ માહિતી આપી કે ગુજરાતના ઘણા શહેરો ISISના નિશાના પર છે. જ્યારે રાજ્યના અગ્રણી શહેરો એવા અમદાવાદ, વડોદરા અને સુરતમાં બોમ્બ વિસ્ફોટ કરી હુમલો કરવાની ISISની યોજના છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અને કેટલાક આકરા નિર્ણયોના કારણે ગુજરાત ISISના નિશાના પર છે. કારણ કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રમોદીનું ગૃહરાજ્ય છે. આતંકી શાહનવાઝ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. ગત વર્ષે ઓક્ટોબરમાં દિલ્હી પોલીસે આતંકી શાહનવાઝની ધરપકડ કરી હતી. શાહનવાઝે મહારાષ્ટ્રના નાગપુરથી માઈનિંગમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. શાહનવાઝના ફોનમાં કેટલાક ફોટોગ્રાફ મળી આવ્યા બાદ સામે આવ્યું કે તે ઘરમાં IED બનાવી રહ્યો હતો. આ મામલાની તપાસ કરતા પોલીસે પૂછપરછ કરતા શાહનવાઝે ગુજરાતમાં આતંકી હુમલાને લઈને ખુલાસો કર્યો.

પૂછપરછ દરમિયાન આતંકીએ જણાવ્યું કે આતંકી સંગઠન ISISના આતંકીઓ ગુજરાતના અગ્રણી શહેરોને નિશાન બનાવતા સિરિયલ બ્લાસ્ટની યોજના બનાવી હતી. આતંકીઓએ હુમલો કરવા અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરો રેકી કરી જે-તે સ્થાનો ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી કરી હુમલા માટેની જગ્યાઓ શોધી હતી. સૌ પ્રથમ તેઓ ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા અને અહીં બે દિવસ રોકાયા હતા. જ્યાં તેમણે રેલ્વે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, રાજકીય નેતાઓના VIP માર્ગો/માર્ગો,  અટલ પદયાત્રી પુલ તેમજ ભીડવાળા બજાર સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાર્યાલય, હાઈકોર્ટ, જિલ્લા અદાલત, સેશન્સ કોર્ટ, ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી.

આ સ્થાનો ઉપરાંત બોહરા સમુદાયની મસ્જિદ/દરગાહ, અમદાવાદમાં મઝાર/દરગાહ, સાબરમતી આશ્રમ જેવા સ્થળો પણ આતંકવાદીઓના નિશાન હતા. જ્યારે સુરત શહેરમાં પ્રખ્યાત વિસ્તારો હીરા બજાર અને સુરતની જિલ્લા અદાલત, ઇસ્કોન મંદિર જેવા વિસ્તારોનો ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી કરી. ખાસ કરીને સુરતમાં જ્યુઈશ સેન્ટરને નિશાન બનાવવાની યોજના હોવાની શાહનવાઝે જણાવ્યું. ગુજરાતના શહેરોને નિશાન બનાવવા માટે મુલાકાત લીધેલ તમામ વિસ્તારોની પીડીએફ/પીપીટી બનાવી અને રિપોર્ટ અબુ સુલેમાનને મોકલ્યા હતા.

આતંકી શાહનવાઝ NIAનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે જેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. આતંકીની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં શાહનવાઝે ખુલાસો કર્યો કે  તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરત ને ઘેરી લેવાનો નિર્ણય કર્યો. આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના શહેરો પણ આતંકી હુમલાના નિશાના પર હોવાનું જણાવ્યું.