સુરત/ વરરાજાને લગ્નના હરખમાંને હરખમાં ડાન્સ કરતાં મળ્યું મોત, ઘોડે સવાર થવાને બદલે થયો અર્થીમાં સવાર

અરેઠ ગામે લગ્ન પ્રસંગના આગલા દિવસે રાસ ગરબામાં નાચતા નાચતા હાર્ટ એટેક આવતા વરરાજાનું મોત થયુ છે.જ્યાં લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવા લાગ્યા.

Gujarat Surat
વરરાજા

ગુજરાતમાંથી ઘણીવાર એવા બનાવ સામે આવતા હોય છે કે કોઈ ખુશીનો પ્રસંગ અચાનક માતમમાં ફેરવાઇ જાય છે. કોઈ લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ લેતા લેતા અથવા તો ગરબા ગાતા ગાતા કોઈનું અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સા આપને ઘણા સાંભળ્યા છે, ત્યારે હાલ આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જ્યાં લગ્નના એક દિવસ પહેલા જ ઘોડે ચઢનાર વરરાજા અર્થીએ સવાર થઈને અંતિમયાત્રાએ  નીકળ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના માંડવીના અરેઠ ગામે લગ્ન પ્રસંગના આગલા દિવસે રાસ ગરબામાં નાચતા નાચતા હાર્ટ એટેક આવતા વરરાજાનું મોત થયુ છે.જ્યાં લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવા લાગ્યા. ઘોડે સવાર થઈ જાન લઈ જવાને બદલે વરરાજાની અર્થી ઉઠી હતી. વરરાજા હિતેશ ચૌધરીને રાત્રીના સમયે પોતાના લગ્નમાં ઘરે ડીજેના તાલે નાચતા નાચતા હાર્ટ એટેક આવતા મોત થયુ. વરરાજાનું મોત થતા પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

આજે મિતેશ ચૌધરી નામના યુવકની જાન જવાની હતી. ગત રોજ રાત્રે જમવાની વિધિ પૂર્ણ થઈ હતી અને બાદમાં લગ્ન મંડપનું મુહૂર્તની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ બાદ રાત્રે ડીજે સાથે રાસનો પ્રોગ્રામ રાખ્યો હતો. આ સમયે વરરાજા પોતાના મિત્રો સાથે ડીજેના તાલે નાચી રહ્યા હતા. તેવામાં એક મિત્ર તેમને ખભા પર ઊંચકીને ડાન્સ કરી રહ્યા હતા. વરરાજા પણ ખુબ જ ઉત્સાહમાં આવીને ડાન્સ કરી રહ્યા હતા. પણ એકાએક વરરાજાને છાતીમાં દુઃખાવો થયો હતો. જે બાદ વરરાજાને અરેઠ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે બાદ વરરાજાને બારડોલી ખાતે સરદાર હોસ્પિટલમાં રિફર કરાતાં ત્યાં ખસેડવામાં આવ્યો હતો. અને સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.

તબીબોના જણાવ્યા અનુસાર, હાર્ટ એટેકને કારણે વરરાજા મિતેશનુ મોત થયુ હતું. આ સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો હતો. જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા, એ જ ઘરમાંથી વરરાજાની સ્મશાનયાત્રા નીકળતા પરિવાર હિબકે ચડ્યો હતો. ડીજે નાઈટનો વરરાજાનો વીડિયો પણ બહાર આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં યુવા લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જેમાં ખાસ કરીને 31 થી 40 વર્ષના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઘણું વધ્યું છે. જેનું કારણ ક્યાંકને ક્યાંક જંક ફૂડ, વધારે પડતું ટેન્શનવાળી લાઈફ હોવાનું કહેવાય રહ્યું છે. આજની યુવા પેઢીને નાની બાબતે ડિપ્રેશન આવી જાય છે. જેના કારણે તેઓ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જતાં હોય છે.

આ પણ વાંચો:જીગ્નેશ મેવાણીને ત્રણ મહિનાની જેલ, જાણો કયા કેસમાં મળી સજા

આ પણ વાંચો:લીંબુ માટે લડાઈ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન