Business News/ કોમન મેનના ખિસ્સા પર ફરી મોટો માર! બિસ્કિટ-સાબુ-તેલ મોંઘા થશે, 5-10 રૂપિયાના નાના પેકેટમાં ઘટશે વજન

કોમન મેનનું ખોરવાશે બજેટ. બિસ્કિટ, સાબુ અને તેલ સહિતની રોજિંદી વસ્તુઓ મોંઘી શક્યતા. 5-10ના પેકેટમાં વજન ઘટાડીને ગ્રાહકોને ઓછો સામાન મળવાની શક્યતા.

Breaking News Business
FMCG

Business News: રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ ખરીદતા ગ્રાહકો માટે આગામી દિવસોમાં બજેટનું ગણિત બગડી શકે છે. બિસ્કિટ, સાબુ, તેલ સહિતની અનેક FMCG વસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે. કાચા માલના વધતા ખર્ચને કારણે કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. કેટલીક કંપનીઓ સીધો ભાવ વધારો કરવાને બદલે પેકેટનું વજન ઘટાડીને ‘શ્રિંકફ્લેશન’નો રસ્તો અપનાવી શકે છે.

 મોંઘવારીનો માર! FMCG પ્રોડક્ટના ભાવમાં વધારો થવાની શક્યતા

બ્રિટાનિયા જેવી કંપનીઓ દ્વારા 5 અને 10ના(Biscuit packet) બિસ્કિટ પેકેટ માં સામાનનું વજન ઘટાડવાની શક્યતા છે. કંપની ચાલુ ક્વાર્ટરમાં શ્રિંકફ્લેશન દ્વારા આશરે 1.5થી 2 ટકા સુધી અસર કરી શકે છે. ખાંડ અને પામ ઓઈલ જેવા કાચા માલના ઊંચા ભાવને કારણે કંપનીના ખર્ચ પર દબાણ વધી રહ્યું છે. અર્થાત ગ્રાહકને પેકેટની કિંમત અગાઉ જેટલી જ દેખાશે, પરંતુ તેમાં મળતી વસ્તુનું પ્રમાણ ઓછું થઈ શકે છે.

HULની વસ્તુઓના ભાવમાં 2થી 5 ટકાનો વધારો?

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ પણ વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં ભાવ વધારવા અંગે વિચારણા કરી રહી છે. કંપનીના અંદાજ મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેટલીક વસ્તુઓના ભાવમાં 2થી 5 ટકા સુધીનો વધારો થઈ શકે છે. આ વધારો સાબુ, ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ અને અન્ય દૈનિક જરૂરિયાતની પ્રોડક્ટ્સમાં જોવા મળી શકે છે. જોકે, ચોક્કસ પ્રોડક્ટ અને ભાવ અંગે કંપનીઓના અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટતા થશે.

કાચા માલના ભાવથી કંપનીઓનું બજેટ ખોરવાયું

FMCG કંપનીઓ માટે પામ ઓઈલ, ખાંડ અને ક્રૂડ ઓઈલ જેવા કાચા માલની કિંમત મહત્વપૂર્ણ છે. આ ખર્ચ વધતાં કંપનીઓના નફાના માર્જિન પર સીધી અસર પડે છે. ગોદરેજ કન્ઝ્યુમર (Godrej Consumer) સહિત કેટલીક કંપનીઓ હાલ મોટા ભાવવધારાથી બચીને કોમોડિટી માર્કેટ સ્થિર થવાની રાહ જોઈ રહી છે. બીજી તરફ ડાબર સહિતની કંપનીઓનું માનવું છે કે વધેલા ખર્ચનો અમુક હિસ્સો ગ્રાહકો સુધી પહોંચાડવો પડી શકે છે.

ગ્રાહકોના બજેટ પર કેવી અસર પડશે?

જો કંપનીઓ ભાવ વધારશે અથવા પેકેટનું વજન ઘટાડશે તો ગ્રાહકોને રોજિંદા ઉપયોગની વસ્તુઓ માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. ખાસ કરીને 5 અને 10 જેવા નાના પેકેટ ખરીદતા ગ્રાહકો પર તેની અસર વધુ સ્પષ્ટ થઈ શકે છે. કંપનીઓ ખર્ચ ઘટાડવા, ઉત્પાદકતા વધારવા અને પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધારવા પર ધ્યાન આપી રહી છે. જોકે, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલ (Crude oil)ના ભાવ અને ચોમાસા જેવા પરિબળો આગામી સમયમાં FMCG બજાર માટે મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો:ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધથી પેટ્રોલ સુધી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં 2થી 10% વધારો

આ પણ વાંચો:શું મોંઘવારીનો માર પડશે? ઘઉં-ચોખાનો સ્ટોક ફૂલ, પણ ખાતર અને પેકેજિંગના ભાવ આસમાને

આ પણ વાંચો:મોંઘવારીનો માર! કોન્ડોમથી લઈને પેરાસિટામોલ અને ડ્રાય ફ્રુટ્સના ભાવમાં મોટો ઉછાળો