Jharkhand news/ ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનની અસર, JPSCના 3 સભ્યોના રાજીનામા મંજૂર; PT રદ છતાં આંદોલન યથાવત

ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનની અસર. JPSCના 3 સભ્યોના રાજીનામાં મંજૂર તથા 14મી PT રદ, જોકે વિદ્યાર્થી આંદોલન યથાવત.

India Breaking News
JPSC

Jharkhand News: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીકના આક્ષેપો સામે ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન (Student Movement)ની અસર હવે સરકાર અને JPSC સુધી પહોંચી છે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે રાજ્ય સરકારની ભલામણ બાદ JPSCના ત્રણ સભ્યો અજિતા ભટ્ટાચાર્ય, અનિમા હાંસદા અને જમાલ અહેમદના રાજીનામાં મંજૂર કર્યા છે. બીજી તરફ 14મી જેપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓની તમામ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા અનશન હજુ પણ ચાલુ છે.

ઝારખંડ વિદ્યાર્થી આંદોલનની અસર, JPSCના 3 સભ્યોના રાજીનામાં મંજૂર

ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે જેપીએસસીના ત્રણ સભ્યોના રાજીનામાં મંજૂર કર્યા છે. રાજ્ય સરકારની ભલામણ બાદ બંધારણીય પ્રક્રિયા હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ઝારખંડ લોકભવન દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે.રાજીનામું આપનારા ત્રણ સભ્યોમાં અજિતા ભટ્ટાચાર્ય, અનિમા હાંસદા અને જમાલ અહમદનો સમાવેશ થાય છે. ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિને લઈને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

14મી JPSC PT પરીક્ષા રદ, CGL અંગે અલગ નિર્ણય 

વિદ્યાર્થી સંગઠનો સાથે સરકારની ત્રીજા તબક્કાની બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર સહમતિ બની હતી. ભારે વિરોધ અને પરીક્ષામાં અનિયમિતતાના આક્ષેપોને ધ્યાનમાં રાખીને 14મી JPSC સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવાદિત વેન્ડર એજન્સી ‘TSR Data Processing Private Limited’ દ્વારા અગાઉ લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન થયેલા કથિત નાણાકીય વ્યવહારોની ED દ્વારા તપાસ કરાવવા માટે પણ સરકાર સંમત થઈ છે. જોકે, વિદ્યાર્થીઓની JSSC CGL પરીક્ષા રદ કરવાની માગ સરકારે સ્વીકારી નથી. CGL પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપોની ન્યાયિક તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

10 ઓગસ્ટે વિધાનસભા ઘેરાવની જાહેરાત

સરકાર સાથેની બેઠક બાદ પણ વિદ્યાર્થીઓનું આંદોલન સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. વિદ્યાર્થીઓએ પોતાની કેટલીક મુખ્ય માંગણીઓ હજુ બાકી હોવાનું જણાવી 10 ઓગસ્ટે વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. અનશન પર બેઠેલા વિદ્યાર્થીઓએ પણ હાલ અનશન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી અનશન સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી છે, પરંતુ આંદોલનકારીઓ પોતાની માંગણીઓ પર અડગ છે.

પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે હાઈલેવલ કમિટી બનશે

મંત્રી સુદિવ્ય કુમારે (Sudivya Kumar)જણાવ્યું કે રાજ્યમાં પારદર્શક અને ગેરરીતિમુક્ત ભરતી પરીક્ષાઓ યોજવા માટે વ્યાપક નીતિગત સુધારા કરવામાં આવશે. આ માટે ઉચ્ચસ્તરીય સુધારા સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિમાં IIM રાંચી અને Xavier Institute of Social Service જેવી સંસ્થાઓના નિષ્ણાતો ઉપરાંત વિદ્યાર્થી પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે.

સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની બેઠક દરમિયાન મંત્રીઓએ અનશન કરી રહેલા દેવેન્દ્રનાથ મહતો સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી હતી. મંત્રીઓએ તેમને અનશન સમાપ્ત કરવા વિનંતી કરી હતી અને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપી હતી. જોકે, દેવેન્દ્ર મહતોએ હાલ અનશન સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે.


આ પણ વાંચો:ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન 14મા દિવસે, CJPનું સમર્થન; આજે વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો:ઝારખંડ ભરતી કૌભાંડ વિવાદ; 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર, CID એ 19 લોકોની કરી ધરપકડ

આ પણ વાંચો:સોનમ વાંગચૂકે જંતર-મંતર આંદોલન, વિદ્યાર્થીઓના અપશબ્દો અને ઝારખંડ મુદ્દે આપી પ્રતિક્રિયા