Gujarat industries/ સાણંદની દિશમાન કંપની દ્વારા છોડાય છે કેમિકલવાળું પાણી, અરજદારોને દબાવીને કરાય છે ચૂપ

જણાવી દઈએ કે રાતના સમયે કંપની દ્રારા ઝેરી ગેસ પણ છોડવામાં આવે છે જેના કારણે બાળકો તથા ગામ લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. કંપની દ્રારા કંપનીની અંદર…

Gujarat
Sanand Chemical Water

Sanand Chemical Water: સાણંદ તાલુકાના ડરણ ગામ નજીક એક દિશમાન કાર્બોઝન એમસીસ લીમિટેડ કંપની આવેલી છે જે ચોમાસાના વરસાદી પાણીના આડમાં કેમિકલનું પાણી સતત છોડી રહી છે. આ પાણી છોડાતા આજુ-બાજુના ગામના ખેડૂતો સાથે ગામલોકો કંપનીથી ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગામજનોએ કંપની આગળ પાળો બાંધી દેવામાં આવી હતી પણ રાજકીય આગેવાનો સાથે સ્થાનિક પોલીસ આવતા જ હંગામી સમાધાન કરીને પાળો તોડી કાઢી હતી. આને જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ જ કડક પગલાં સરકારી તંત્ર દ્વારા લેવામાં આવતા નથી. મંતવ્ય ન્યૂઝે આજુ-બાજુના ગામલોકો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે કંપનીના આ કેમિકલ પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહ્યો છે, જેને કારણે ખેતરના પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે અને જમીન બંજર બનતી જાય છે

જણાવી દઈએ કે રાતના સમયે કંપની દ્રારા ઝેરી ગેસ પણ છોડવામાં આવે છે જેના કારણે બાળકો તથા ગામ લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. કંપની દ્રારા કંપનીની અંદર જ બોરિંગ બનાવામાં આવ્યા છે તેમા કેમિકલવાળું પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે જેથી આજુ-બાજુના દરેક ગામમાં પીવાનું પાણી પણ દુષિત થઈને કેમિકલવાળું આવી રહ્યું છે.  આવું કેમિકલવાળું પાણી પીને ગામના નાના-મોટા લોકો બીમાર થઈ રહ્યા છે અને આરોગ્ય પણ બગડી રહ્યું છે.

આ અંગે કંપની પાસે રહેતા દશરથભાઈએ જણાવ્યું હતું કે તેમની બંને ગાયનું મૃત્યુ કેમિકલવાળું પાણી પીવાથી થયું છે. બોરમાંથી પણ કેમિકલવાળું પાણી આવી રહ્યું છે તેને લઈને સાણંદ મામલતદારને રજુઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર થકી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. કેમિકલવાળા પાણીને કારણે ખેતરમાં ખેડૂતોને પગ ઉપર ખરાબ પાણી અડવાથી ચામડીના રોગો થઈ રહ્યા છે અને તળાવની માછલીઓ પણ દિવસેનેદિવસે મરી રહી છે આને કારણે જનતા અને પશુઓના આરોગ્ય ઉપર સવાલ ઉભા થઇ રહ્યા છે.

જો ખેડૂતો તેમના પ્રશ્નોની રજુઆત કરવા જાય તો કોઈ જ સમસ્યા સાંભળવા માટે તૈયાર જ નથી હોતા, જો કોઈ વધારે રજુઆત કરે તો તેમને પૈસા આપીને બેસાડી દેવામાં આવે છે. ગામલોકોનો આક્ષેપ છે કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના માણસો આવે છે, પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અરજદારને કંપની દ્વારા રાજકારણ તથા પોલીસને સહારે દબાવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

ગામ લોકોને હવે સવાલ ઉભો થઇ રહ્યો છે કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવશે કે નહીં? આને કારણે સરકાર પાસે આજુબાજુના ગામ લોકોની એક જ માંગ છે કે કંપની ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામલોકોના પ્રશ્નો કાયમી માટે દૂર કરીને સરાહનીય નિર્ણય લેવામાં આવે.