નિવેદન/ સાત મહાનગરપાલિકા બનાવવા લેવાયેલ નિર્ણય ઐતિહાસિક સાબિત થશે- મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યની અંદાજે ૫૦ ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ-૨૦૪૭ સુધી વધીને ૭૫ ટકા સુધી પહોંચે તેવી ધારણા છે.

Top Stories Gujarat
4 2 2 સાત મહાનગરપાલિકા બનાવવા લેવાયેલ નિર્ણય ઐતિહાસિક સાબિત થશે- મંત્રી ઋષિકેશ પટેલ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માટે વર્ષ 2003-04 માટે રૂ.614.81 કરોડની જોગવાઇ હતી. જે આજે વર્ષ 2024-25માં રૂ. 21,696.28 કરોડે પહોંચી છે. રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે ૫૦ ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ-૨૦૪૭ સુધી વધીને ૭૫ ટકા સુધી પહોંચે તેવી ધારણા છે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત @૨૦૪૭ માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજ્યના ૭ કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા, રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’નું વિઝન ડોક્યુમેન્‍ટ બહાર પાડ્યુ છે. અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી ૨૫ વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કરી બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

પ્રવર્તમાન શહેરીકરણની સ્થિતિને પારખીને જ રાજ્ય સરકારે રાજ્યમાં નવીન 7 મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત આ વર્ષે કરી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણના મહાનગરપાલિકા બનવાથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે.શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ નિશ્ચયી છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો(Sustainable & livable habitation) પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની રાજ્ય સરકારની નેમ છે.

મંત્રીએ ઉમેર્યું કે, વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ પોતાની સફરના ૨૦ વર્ષ પૂર્ણ કરી આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇની કુનેહના કારણે વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ આજે રાજ્યની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં એકત્રિત કરેલ આવસની અંદાજીત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોના લક્ષ્યાંક સામે આજ દિન સુધી ૯.૬૧ લાખ જેટલા આવાસો મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલા આવાસો પૈકી ૮.૨૮ લાખ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં વધુ લોકોને આવાસ પૂરા પાડવાના આશયથી રૂ.૧૩૨૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંગે કહ્યું કે, રાજ્યની ૫૦ ટકા વસતિ શહેરી વિસ્તારમાં વસવાટ કરી રહી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ ૨૦૨૬-૨૭ સુધી એટલે કે વધુ ત્રણ વર્ષ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા આ વર્ષના બજેટમાં કુલ રૂ.૮૬૩૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦નો સમયગાળો વર્ષ ૨૦૨૬ સુધી નવા ઘટકો સસ્ટેનેબલ સેનીટેશન, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, આઈ.ઈ.સી, કેપેસીટી બિલ્ડીંગ સાથે લંબાવ્યો છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૩૦૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં ગુજરાતનાં સુરત શહેરે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને ૭ સ્ટાર રેટિંગનો લક્ષ્યાંક હાંસલ કરી ગુજરાતનાં ગૌરવામાં વધારો કર્યો છે.

સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુઘડ બનાવવાની ગુજરાત સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જે અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, “મેરા શહેર સ્વચ્છ શહેર” પ્રતિયોગિતા દ્વારા શ્રેષ્ઠ શહેરને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે. જે માટે રૂ. ૧૬૦૦ લાખની ફાળવણી કરવામાં આવશે. અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ થકી સ્વચ્છતાને વધુ અસરકારક બનાવવા માટે જીલ્લા કક્ષાએ શ્રેષ્ડ કલેક્ટર, મહાનગરપાલિકા કક્ષાએ શ્રેષ્ઠ કમિશ્નર, નગરપાલિકા કક્ષાએ શ્રેષ્ઠ ચીફ ઓફીસરને એવોર્ડ અને સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરવામાં આવશે તેમજ સફાઈ સાથે સીધી જ રીતે જોડાયેલ સફાઈ કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે.

મંત્રીશ્રી જણાવ્યું કે, સફાઇ વેરા પ્રોત્સાહન યોજના હેઠળ નગરપાલિકા કક્ષાએ સફાઈ માટે પુરતી સુવિધા ઉભી કરી શકાય તેમજ સફાઈ કર્મચારીઓને સમયસર મહેનતાણું મળી રહે તે માટે નગરપાલિકાએ ઉઘરાવેલ સફાઈવેરા જેટલી મેચિંગ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ઉપરાંત વસુલાતની ટકાવારીમાં વધારો થાય તે માટે પ્રોત્સાહક ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે. વધુમાં, ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ ના સદંતર નિકાલ માટે સ્પેશિયલ સહાય અપાશે.