Accident News: ઉત્તરાયણનો તહેવાર શરૂ થતાંની સાથે જ બાળકોમાં પતંગ ચગાવવાની મજા જોવા મળે છે. પરંતુ ક્યારેક નાની ચૂક થઈ જવાથી તહેવાર ઉત્સાહને બદલે ગમમાં ફેરવાઈ જાય છે.
મહેસાણામાં પતંગ લૂંટવા જતા 10 વર્ષના બાળકનું મોત થયું છે. 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લૂંટવા જતા કૂવામાં પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પરિવારજનોએ તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉતરાયણના પૂર્વે જ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.
જ્યારે બીજી બાજુ વલસાડમાં 6 વર્ષના બાળકનું મોત થયું છે. વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પરવેઝ શેખ નામનું બાળક ધાબા પર પતંગ ચઢાવી રહ્યો હતો. દરમિયાન, પતંગ ચગાવતા બેધ્યાન થતાં ધાબા પરથી નીચે પટકાયો હતો. જેથી ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
ત્યારે રાજકોટના જેતપુરમાં દોરીથી બાળકના પગ કપાવાની ઘટના સામે આવી છે. નદીના પટમાં રમતા રમતા બાળકના પગમાં દોરી આવી ગઈ હતી. ચાઇનીઝ દોરી પગમાં આવી જતા બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. જયદેવ નામના 2 વર્ષીય બાળકનો પગ કપાઇ જતા પરિવારનો જીવ અદ્ધર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ઉત્તરાયણમાં સુરક્ષિત રહો તેની તકેદારી રાખવી.