કોરોના વાયરસનો કહેર ભલે થોડો ઓછો થઈ ગયો હોય, પરંતુ તે હજી સમાપ્ત થયો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નાં વડા ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયસસે ફરી એકવાર વિશ્વને ચેતવણી આપી છે કે કોરોનાવાયરસ મહામારી હજી સમાપ્ત થઇ નથી અને વિશ્વએ તેનો સામનો કરવા માટે જાહેર આરોગ્ય સાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની જરૂર છે. WHO નાં વડાએ કહ્યું કે, આ મહામારી ત્યારે જ ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા માંગશે.
આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 14,306 નવા કેસ, 400 થી વધુ લોકોનાં મોત
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નાં વડાએ બર્લિનમાં વર્લ્ડ હેલ્થ સમિટને સંબોધિત કરતા કહ્યું, ‘કોરોના મહામારી ત્યારે ખતમ થશે જ્યારે વિશ્વ તેને ખતમ કરવા માંગશે. તે આપણા હાથમાં છે. અમારી પાસે જરૂરી તમામ સાધનો છે: અસરકારક જાહેર આરોગ્ય સાધનો અને અસરકારક તબીબી સાધનો. પરંતુ વિશ્વએ તે સાધનોનો સારી રીતે ઉપયોગ કર્યો નથી. એક સપ્તાહમાં લગભગ 50,000 મૃત્યુ થયા છે, આમ મહામારી ખતમ થઇ નથી. વિશ્વ સંસ્થાનાં વડાએ G-20 દેશોને તેમની વસ્તીનાં 40 ટકાને COVAX મિકેનિઝમ અને આફ્રિકન વેક્સિન એક્વિઝિશન ટ્રસ્ટ (AVAT)માં સક્રિયપણે સામેલ કરવા વિનંતી કરી હતી. વડાએ વિશ્વભરનાં દેશોને રસીકરણની ગતિ ઝડપી બનાવવા અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ WHO કોરોના વાયરસને લઈને ઘણી વખત દુનિયાને ચેતવણી આપી ચુક્યું છે.
આ પણ વાંચો – પ્રહાર / PM મોદીએ વેક્સિનેશન બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ઉજવણી કરવી જોઈએ : પી.ચિદમ્બરમ
અહીં, ભારતમાં ફરી એકવાર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ડરાવા લાગી છે. આજે, છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોનાને કારણે 443 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, એક દિવસમાં કોરોનાનાં નવા કેસોની સંખ્યા 14,306 છે. આ રીતે, દેશમાં કોરોના વાયરસનાં કેસોની કુલ સંખ્યા 3,41,89,774 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 4,54,712 પર પહોંચી ગયો છે.