સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન માતાનું મોત થતા દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું કરી દીધું હતું. આ યુવકના પિતા સ્મશાનગૃહમાં નોકરી કરે છે અને માતા બ્યુટીપાર્લર ચલાવતી હતી. પત્નીના કોરોનાથી નિધન બાદ પુત્રએ પણ આપઘાત કરી લેતા પિતા ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આપઘાત કરનાર યુવક ધારાસભ્ય ઝંખના પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં કોરોના કહેર વચ્ચે પરિવારોના માળા પીંખાઈ રહ્યા છે. નવો સ્ટ્રેઈનમાં આખા પરિવારો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. આ કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાને કારણે હવે પરિવારોના માળા તૂટવા લાગ્યા છે. જેનું એક ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું હતું. કોરોનાની સારવાર દરમિયાન માતાનું મોત થતાં પુત્રને ઘેરો આઘાત લાગ્યો હતો. જે બાદમાં તેણે હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. સુરતમાં આવેલી સંજીવની હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી માતાના નિધનના સમાચાર મળતા જ પુત્ર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને પોતે પણ મોત વ્હાલું કરી લીધું હતું.
સુરતના સચિન વિસ્તારમાં રહેતા છાયાયાબેન પોતે બ્યુટીપાર્લર ચલાવતા હતા અને તેમના પતિ રાજુભાઈ સ્મશાન ગૃહમાં કામ કરે છે. બંનેને નીરવ નામનો એકનો એક દીકરો હતો. 20 દિવસ પહેલા માતાને કોરોનાનો સંક્રમણ લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
20 દિવસની સારવાર બાદ છાયાબેનનું કરૂણ મોત નિપજયું હતું. આ બાબતની જાણ પરિવારના એકના એક પુત્રને કરાતા તે તાત્કાલિક હૉસ્પિટલ દોડી આવ્યો હતો. માતાના મોત બાદ પુત્રને ઘેર આઘાત લાગ્યો હતો. માતાનો મૃતદેહ જોયા બાદ તેણે હૉસ્પિટલ પરથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
માતા પ્રત્યે પુત્રના અપાર પ્રેમને જોઈ હૉસ્પિટલનો સ્ટાફ પણ ચોધાર આંસુએ રડી પડ્યો હતો. મામલાની જાણ થયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઇને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સ્મશાનગૃહમાં કામ કરતા રાજુભાઈને કોરોનામાં પત્નીના મોત બાદ પુત્રના આપઘાતના સમાચાર મળતાં તેઓને પણ ઘેરો આઘાત લાગ્યો હતો. વધુમાં આપઘાત કરનાર નીરવ ધારાસભ્ય ઝંખના પટેલની ઓફિસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.