ગુજરાત/ 4 જૂને આવશે લોકસભા ચૂંટણીના પરિણામ, સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી થશે શરૂ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 29T161048.799 4 જૂને આવશે લોકસભા ચૂંટણીના પરિણામ, સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી થશે શરૂ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ECI દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

મથકો પર તૈયારીઓ પૂર્ણ

રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 4 જૂન, 2024ના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. આણંદ લોકસભા મતવિસ્તારમાં 02 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તા. 2 જૂન સુધીમાં મતગણતરી માટેના તમામ ઑબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થઈ જશે.

પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના 24 કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે 5 વાગ્યે ઑબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

મતગણતરી મથકો પર માન્યતા પ્રાપ્ત વ્યક્તિ જ કરી શકશે પ્રવેશ

મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે તેવા મીડિયાકર્મીઓ પણ પ્રવેશ કરી શકશે. ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવવામાં આવશે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVMના મતોની ગણતરી શરુ કરાશે.

ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા

તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ અંગે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે, મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને મંજૂરી પ્રાપ્ત રાજકીય પ્રતિનિધિઓ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

મતગણતરી કેન્દ્ર પર આ સાધનો પર પ્રતિબંધ

રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન (લેન્ડલાઈન) અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. ETPBSની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક OTP મેળવવા રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અથવા કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પૂર્વપરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર તથા પબ્લિક કૉમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

મીડિયા સેન્ટર ઉભુ કરાશે

મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1 ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ