Gujarat/ રાજયના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા રાજય સરકાર પ્રતિબદ્ધ: રાઘવજીભાઈ પટેલ

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને  રખડતા પશુઓના ત્રાસથી મુકતિ અપાવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે. આ માટે રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર…

Top Stories Gujarat
Raghavji Patel Speech

Raghavji Patel Speech: પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને  રખડતા પશુઓના ત્રાસથી મુકતિ અપાવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે. આ માટે રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ કરવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે, જે અતર્ગત મોરબી, જૂનાગઢ અને કચ્છ મળી કુલ ત્રણ જિલ્લાઓમાં ખસીકરણ ઝુંબેશનો આરંભ કરવામાં આવેલ છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરવામાં આવશે, જે રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે.

તેમણે જણાવ્યું કે, ખસીકરણની સઘન ઝુંબેશ રાજ્યમાં રખડતા પશુઓ ખાસ કરીને આખલાઓ દ્વારા જાહેર જનતાને થતી અગવડો જેમાં અકસ્માતથી ઇજા અને મૃત્યુના બનાવો અને ખેતરોમાં થતા ભેલાણથી થતા નુકસાન સામે બચાવ માટે મદદરૂપ બનશે. કૃષિ, પશુપાલન ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીની પ્રેરણાથી મોરબી જિલ્લાથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રખડતા આખલાઓ તથા ગૌ શાળાઓ અને પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગાય વર્ગના નર પશુઓની સર્જરી કરી ખસીકરણ કરવામાં આવે છે. આ માટે પશુપાલન ખાતાના નિષ્ણાત અને અનુભવી પશુચિકિત્સકોની ટીમ દ્વારા આવી સંસ્થાઓ ખાતે ખસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. ઓપરેશન બાદ ખસી થયેલ પશુઓની જરુરી સારસંભાળ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. ખસીકરણ થયેલ પશુઓની આક્ર્મતા ઘટે છે અને સ્વભાવે શાંત બને છે, જેના કારણે રખડતા પશુઓથી થતા અકસ્માતમાં ઘટાડો થશે અને ગૌ શાળાઓ અને પાંજરાપોળ આવા પશુઓને સરળતાથી સાચવી શકે છે.

રાઘવજી પટેલ દ્રારા પ્રેરિત આ અભિયાન અંતર્ગત મોરબી ખાતેના કેમ્પમાં કુલ 50 પશુઓનું ખસીકરણ કરવામાં આવેલ જ્યારે જૂનાગઢ ખાતે આયોજીત કેમ્પમાં 68 પશુઓમાં અને નખત્રાણા ખાતેના કેમ્પમાં કુલ 138 પશુઓમાં ખસીકરણ કરવામાં આવેલ છે. રાધવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નખત્રાણા ગૌસેવા કેન્દ્ર, નખત્રાણા ખાતેથી કચ્છ જિલ્લામાં  તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે રાજ્યની તમામ ગૌશાળા/પાંજરાપોળ સાથે સંકળાયેલ જીવદયા પ્રેમી દાતાઓને જરૂરી સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું હતું. નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી સુરક્ષિત કરવાના આ મહત્વના કાર્યક્રમ માટે રાજય સરકારની સાથે સાથે સ્થાનિક દાતાઓ અને સંસ્થાઓનો સહકાર ખુબ જ મહત્વનો પુરવાર થશે તેવું તેમણે જણાવ્યું હતું

પશુઓની સેવાની કામગીરીને જીવનનો ભાગ બનાવી સંસ્થાના સંચાલક તથા દાતાઓનો આભાર વ્યકત કરીને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લેવા રાજયની તમામ સંસ્થાઓને આહવાન કર્યું હતું. તેમણે પશુપાલકોને પશુપાલન ખાતાની ખાણદાણ સહાયની યોજના જેવી વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પશુ ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન, સેક્સ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલોજી જેવી અધ્યતન પધ્ધતિઓ અપનાવવાથી પશુઓનું ઉત્પાદન તો વધશેજ સાથે સાથે રખડતા આખલાઓ ની સંખ્યા પણ ઘટવાથી બેવડો લાભ થશે. પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર દ્વારા પ્રસ્તુત તાલુકા પશુપાલન શિબીર અને ખસીકરણ કાર્યક્રમ અંગેની અગત્યતા જણાવી હતી તેમજ લમ્પી રોગચાળા સમયે જીલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારી થી થયેલ કામગીરીનો ઉલ્લેખ રાજ્યમાં સંપુર્ણપણે રોગચાળા પર નિયંત્રણ મેળવાયું છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા ગૌ-પુજન કરી સંસ્થામાં ચાલતા વિવિધ સેવાકિય કાર્યોની ખસીકરણ ઓપરેશનની તથા માનવસેવાની કામગીરી રૂબરૂ મુલાકાત લઈ કામગીરી બિરદાવી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. મંત્રીના હસ્તે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના કુલ ૫ લાભાર્થી સંસ્થાઓને રૂ. 59 લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજના લાભાર્થીઓને રૂ. 1.5 લાખની સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું. રાઘવજી પટેલ દ્વારા નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મંત્રી લાલજી રામાણી તથા સમસ્ત ગૌસેવા કેન્દ્રની ટીમ તથા અન્ય સેવાકિય પ્રવૃતિ કરતા તમામ લોકોનું સન્માન કરી તેઓની પ્રવૃતિ બિરદાવવામાં આવી હતી. પશુપાલન શાખાના પશુચિકિત્સા અધિકારીશ્રી ઓની કુલ 10 ટીમો દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર, નખત્રાણા ખાતે કુલ 138 પશુઓની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખસીકરણ ઓપરેશન અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય  પ્રદ્યુમનસિંહ જાડેજા, જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Bizstone/એલોન મસ્ક ટ્વિટર માટે યોગ્ય માલિક લાગતા નથીઃ સહ-સ્થાપક