Ahmedabad News: અમદાવાદ શહેરના સરદાર પટેલ (એસપી)રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડર પાસમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયા છે. ઔડા દ્વારા અંડર પાસમાંથી વરસાદી પાણીનો નિકાલ ત્રાગડ ગામ તરફ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ત્રાગડ સધી માતા મંદિરથી નિરમા યુનિવર્સિટીનો આખા રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે.
અંડર પાસ બંધ હોવાના કારણે એસજી હાઇવે તરફ જનારા લોકો ત્રાગડ ગામમાં થઈ અને નિરમા યુનિવર્સિટીથી એસજી હાઇવે તરફ જવા માટે વાહનો લઈને નીકળ્યા હતા. જોકે સધી માતાના મંદિર પાસે ભરાયેલા પાણીના કારણે લોકોએ ત્યાંથી જ વાહન પાછા વાળવા પડ્યા હતા. વરસાદી પાણીને કારણે એક દિવસ માટે સ્થાનિક પોલીસ બેસાડીને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે કોઈપણ પોલીસ ત્યાં દેખાઈ નહોતી જેના કારણે લોકો આ રોડ ઉપર વાહન લઈને નીકળ્યા હતા.
શહેરના ત્રાગડ ગામમાં આવેલા સધી માતા મંદિરથી નિરમા યુનિવર્સિટી તરફ જવાના રોડ ઉપર સતત ત્રીજા દિવસે પણ અંડર પાસનું પાણી ગોઠણ સુધી ભરાયેલું છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તરફ વૈષ્ણોદેવી તરફ જવા માટે ત્રાગડ અંડરપાસમાં પાણી હોવાથી બંધ છે. 15 કિલોમીટર ફરીને જવું ન પડે તેના માટે એસજી હાઇવે તરફ જવા માટે ત્રાગડ સધી માતાના મંદિરથી નિરમા યુનિવર્સિટી પાસેથી જઈ શકાય છે.
જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અને ઔડાના પાપે હજી સુધી આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરાયો નથી. ત્રાગડ સહિતના લોકો હેરાન પરેશાન થયા છે. વરસાદી પાણી ભરાયું હોવાથી એક દિવસથી નિરમા યુનિવર્સિટી તરફ જવાનો રોડ સ્થાનિક પોલીસ મૂકીને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે પોલીસ કર્મચારીઓ દેખાયા નથી.
પોલીસ તંત્ર હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હોય કોઈને પણ આ વિસ્તારમાં રહેતા લોકો અને ત્યાંથી જનારા વાહન ચાલકોની કોઈ જ પડી ન હોય તેમ જોવા માટે પણ આવ્યા નથી. સવારના સમયે નોકરી-ધંધાના સ્થળે જવા માટે લોકોએ આ રોડનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પાણી ભરાયેલા હતા અને આખા વાહનો ડૂબી જાય તેવી જ પરિસ્થિતિ હજી પણ યથાવત હોવાથી લોકોને વાહનો પાછા લઈને જવું પડ્યું હતું.
એસ.જી.હાઇવે જવા માટે નિરમા યુનિવર્સિટી રોડ ઉપર લોકો આવ્યા તો હતા. પરંતુ પાણી ભરાયેલું જ હોવાથી પાછા ગયા હતા. જેના કારણે ત્રાગડ ફાટકના રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકોને હજી પણ પાંચ કિલોમીટર ગોદરેજ ગાર્ડન સિટી તરફથી એસજી હાઇવે જવું પડે છે. જેના કારણે ગોદરેજ ગાર્ડન સિટી રોડ ઉપર પણ જામની સ્થિતિ જોવા મળે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સીઝનનો 100 ટકા વરસાદ ઓગસ્ટ પૂરો થતાં પહેલા જ પડી ગયો
આ પણ વાંચો: મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી
આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ, ઘટ પણ તેટલી જ
