સુરેન્દ્રનગર/ નર્મદાનું પાણી રણમાં 17મી વખત 40 કિ.મી.માં ફરી વળતા ધારાસભ્ય રણમાં 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને અગરિયાની વ્યથા સમજી

ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ માટે વિધાનસભામાં રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી

Gujarat
5 નર્મદાનું પાણી રણમાં 17મી વખત 40 કિ.મી.માં ફરી વળતા ધારાસભ્ય રણમાં 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને અગરિયાની વ્યથા સમજી

ખારાઘોડા રણ વિસ્તારમાં નીંચાણવાળા ભાગમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી બજાણા-ભરાડા વોકડા થઈને રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે. આથી દસાડા ધારાસભ્યે રણમાં 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને અગરિયાની વ્યથા સમજી હતી અને ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ માટે વિધાનસભામાં રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

નર્મદા કેનાલનું ચિક્કાર પાણી રણમાં અગરિયાઓનાં સંખ્યાબંધ પાટામાં ફરી વળતા આખા રણમાં પાણી જ પાણી છે. ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જીલ્લાને અને એમાય સૂકાભઠ્ઠ ગણાંતા રણકાંઠા વિસ્તારને થયો હોવાની નર્મદા વિભાગ દ્વારા ગુલબાંગો ફુંકવામાં આવે છે. ત્યારે રણમાં દર વર્ષે લાખો ગેલન નર્મદાનું પાણીનો બેરોકટોક વ્યય થાય છે. આ વર્ષે હાલમાં રણમાં 17મી વખત 40 કિ.મી.માં નર્મદાનું પાણી ફરી વળતા તબાહીનું મંજર જોવા મળ્યું હતુ. એક બાજુ અભયારણ્ય વિભાગ ઘૂડખરને નુકશાન થવાનું જણાવી મીઠું પકવતા અગરિયાઓ માટે જમીનની અંદર પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતું નથી અને બીજી બાજુ રણમાં નર્મદાનું પાણી વેડફાતા હજારો અગરિયા પરિવારો પાયમાલ અગરિયાઓ માટે એકબાજુ કૂવોને બીજી બાજુ ખાઇ જેવો હાલ થવા પામ્યાં છે. આ દયનીય પરિસ્થિતિના લીધે રણમાં પરંપરાગતરીતે પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયા સમુદાયને સામુહિક હિજરત કરવાની નોબત આવી છે.

ખારાઘોડા રણ વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી બજાણા-ભરાડા વોકડામાં થઈને રણ વિસ્તારમાં ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે. દશ દિવસથી આ પાણીનો અવિરત પ્રવાહ વધતાં હાલમાં 40 કિલોમીટર સુધી પહોંચ્યું છે. અને આ વિસ્તારમાં આવતા સૌથી વધારે મીઠાના પાટા ફરતે પાણી ફરી વળતાં એક એક અગરિયાને બે-બે લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓની વર્ષોની આ વિકટ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી કે તંત્ર કાંઈ જ ધ્યાન આપતું નથી. આ વાતની જાણ થતાં જ દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી આજે રણમાં જઈ 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને મીઠું પકવતા અગરિયાઓની આપવીતી સાંભળી હતી. અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે વિધાનસભામાં રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને પુરૂ પાડી શકે એટલું નર્મદાનું નીર રણમાં વેડફાય છે

આ અંગેની પ્રાપ્ત ચોંકાવનારી હકીકત મુજબ, આખા સુરેન્દ્રનગર જીલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે.

ભર શિયાળે અગરિયાઓ આંદોલનના માર્ગે

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓના મીઠાના પાટામાં નર્મદાના પાણી ફરી વળતા અગરિયાઓની હાલત કફોડી બનવા પામી છે. નર્મદાના વધારાના પાણી રણમાં 17મી વખત આવ્યા બાદ પણ તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓની આ વિકટ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો મીઠું પકવતા અગરિયાઓ ઉગ્ર આંદોલન કરશે.