National News/ અલ નીનોનો ખતરો, ખેડૂતો માટે ચિંતાજનક સંકેત

અલ નીનો (El Nino)એક વૈશ્વિક હવામાન ઘટના છે, જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં દરિયાઈ સપાટીના પાણી અસામાન્ય રીતે ગરમ થવાથી સર્જાય છે

Top Stories India
અલ નીનો (El Nino)એક વૈશ્વિક હવામાન ઘટના છે, જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં દરિયાઈ સપાટીના પાણી અસામાન્ય રીતે ગરમ થવાથી સર્જાય છે

National News : દેશમાં 2026ના ચોમાસાને લઈને ચિંતાજનક સંકેતો સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતો આ સ્થિતિ માટે અલ નીનો (El Nino)ને મુખ્ય જવાબદાર ગણાવી રહ્યા છે. જો વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થાય તો તેની સીધી અસર કૃષિ ઉત્પાદન, ખાદ્યપદાર્થોના ભાવ અને સામાન્ય જનતાના બજેટ પર પડી શકે છે.

અલ નીનો (El Nino) શું છે?

અલ નીનો (El Nino)એક વૈશ્વિક હવામાન ઘટના છે, જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં દરિયાઈ સપાટીના પાણી અસામાન્ય રીતે ગરમ થવાથી સર્જાય છે. સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે જોવા મળતી આ ઘટના વિશ્વભરના હવામાન ચક્રને પ્રભાવિત કરે છે.

અલ નીનો (El Nino)દરમિયાન પવનની ગતિ નબળી પડતાં વરસાદના પેટર્નમાં ફેરફાર થાય છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ગંભીર દુષ્કાળ સર્જાય છે.

ભારત પર શું પડી શકે અસર?

ભારતમાં અલ નીનો સામાન્ય રીતે નબળા ચોમાસા સાથે જોડાયેલો માનવામાં આવે છે. ઓછો વરસાદ પડવાથી ખેતી માટે જરૂરી પાણીની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ સ્થિતિ પડકારરૂપ બની શકે છે.

કૃષિ મંત્રાલયે દેશના લગભગ 197 જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કર્યા છે, જ્યાં ખરીફ પાક પર સૌથી વધુ અસર થવાની શક્યતા છે.

સરકારની તૈયારી શું છે?

કેન્દ્ર સરકારે સંભવિત દુષ્કાળને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેડૂતોને હવામાન સંબંધિત માહિતી, પાક સંરક્ષણ સલાહ અને વૈકલ્પિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

રાજ્યો માટે અલગ-અલગ આકસ્મિક યોજના તૈયાર કરવામાં આવી છે, જેથી વરસાદની અછત સર્જાય તો તાત્કાલિક પગલાં લઈ શકાય.

હવામાન વિભાગની આગાહી શું કહે છે?

હવામાન વિભાગના અનુમાન મુજબ 2026 દરમિયાન દેશભરમાં ચોમાસાનો વરસાદ લાંબા ગાળાની સરેરાશના લગભગ 90 ટકા જેટલો રહી શકે છે. ઉત્તરપશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

ઉપરાંત, જૂન મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જે પાક માટે વધારાનો પડકાર બની શકે છે.

કયા પાક પર સૌથી વધુ અસર?

ઓછા વરસાદની સીધી અસર ચોખા, મકાઈ, તુવેર, અડદ, મગ, સોયાબીન અને મગફળી જેવા પાક પર પડી શકે છે.ચોખા અને મકાઈ જેવા પાકોને પૂરતા ભેજ અને અનુકૂળ હવામાનની જરૂર હોય છે. વરસાદમાં ઘટાડો થવાથી ઉત્પાદન ઘટી શકે છે, જેનાથી બજારમાં પુરવઠો ઘટવાની શક્યતા રહે છે.

FAOએ આપી ચેતવણી

સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)એ ચેતવણી આપી છે કે ભારત સહિત અનેક એશિયન દેશોમાં વરસાદ આધારિત ખેતી પર દબાણ વધી શકે છે.

સંસ્થાના જણાવ્યા મુજબ, આબોહવા પરિવર્તનના કારણે હાલની પરિસ્થિતિ અગાઉ કરતાં વધુ ગંભીર બની શકે છે. તેની અસર માત્ર ખેતી સુધી મર્યાદિત નહીં રહે પરંતુ ખાદ્ય સુરક્ષા અને ગ્રામિણ અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે.

મોંઘવારી અને તમારા ખિસ્સા પર શું અસર પડશે?

જો પાક ઉત્પાદન ઘટશે તો કઠોળ, અનાજ, ખાદ્ય તેલ અને શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે. ઓછા વરસાદને કારણે પશુઓ માટેના ઘાસચારાની અછત પણ સર્જાઈ શકે છે, જે દૂધ અને અન્ય પશુપાલન ઉત્પાદનોને મોંઘા બનાવી શકે છે.

નિષ્ણાતોના મતે, જો અલ નીનોની અસર લાંબા સમય સુધી યથાવત રહેશે તો આગામી મહિનાઓમાં ખાદ્ય ફુગાવો વધી શકે છે, જેનો સીધો બોજ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

અલ નીનો (El Nino)માત્ર હવામાનની ઘટના નથી, પરંતુ તે કૃષિ, અર્થતંત્ર અને સામાન્ય જીવન પર વ્યાપક અસર કરનારી પરિસ્થિતિ છે. સરકાર તૈયારીઓનો દાવો કરી રહી છે, પરંતુ ચોમાસાની વાસ્તવિક સ્થિતિ આગામી મહિનાઓમાં સ્પષ્ટ થશે. જો વરસાદ અપેક્ષા કરતાં ઓછો રહેશે તો ખેડૂતો (Farmers) સાથે સામાન્ય લોકોના ખર્ચમાં પણ વધારો જોવા મળી શકે છે.


આ પણ વાંચો : અલ નીનોનું આગમન, 1950 પછી સૌથી મજબૂત હોવાની સંભાવના

આ પણ વાંચો : આગામી 5 વર્ષ પૃથ્વી માટે ભારે, ‘સુપર અલ નીનો’ મચાવશે તબાહી અને તૂટશે પેરિસ કરારની મર્યાદા

આ પણ વાંચો : અલ નીનો છતાં 2027ના ચોમાસા અંગે ચિંતા ઘટી, હવામાનશાસ્ત્રીઓએ સમજાવ્યો વરસાદનો ટ્રેન્ડ