Across gujarat/ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું

Top Stories Gujarat
Beginners guide to 2024 05 12T203823.253 ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat News : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં ગતરોજ રાજ્યનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાત, વડોદરા, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી કેરીના પાક પર જોખમની શક્યતા હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હજુ પણ આગામી 2-3 દિવસ માટે અમદાવાદવાસીઓને ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. ત્યારબાદ 14 અને 15 મેના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી, મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહીને પગલે આજે બપોરના સમયે દાહોદમાં ભારે પવન અને વાવાઝોડા સાથે આકાશ વાદળોથી ઘેરાયેલુ જોવા મળ્યું હતું, આકાશમાં વરસાદી વાદળો સાથે શહેર સહિત ગ્રામ્ય પંથકમા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના અમીછાંટણા થયા હતા. વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પલળી ગયા હતા. લીમડી નગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હાલમાં દેશના અનેક રાજ્યમાં વાતાવરણ પ્રતિકૂળ સર્જાયું છે. ત્યારે ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદની વકી છે. હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી જેવાં શહેરોમાં એક સપ્તાહથી વાતાવરણ પ્રતિકૂળ રહ્યું છે. ત્યારે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ મે મહિનામાં જ્યારે સૌથી વધુ ગરમીનો પ્રકોપ રહેતો હોય છે. તેવા સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હાલમાં દક્ષિણ પાકિસ્તાન અને ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ લાવશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેરીનો પાક દેશ-વિદેશમાં નિકાસ થાય છે ત્યારે ગુજરાતમાં પણ કેરીના રસિયાઓ કેરીની આવકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું સૌથી મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. બપોરના 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 14 તારીખ બાદ અમદાવાદ અને આસપાસમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉપરાંત આજે દક્ષિણ ગુજરાત, સહિત વડોદરા, પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદની આગાહી સાથે આગામી 5-6 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે. અમદાવાદ શહેરમાં પણ આજથી જ વાતાવરણના ઉપરી સ્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો છવાઈ જશે. જેને કારણે ગરમીની સાથે જ અંશતઃ બફારાનો પણ અનુભવ રહેશે.

નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા ત્યારે ડેડિયાપાડા સહિત તાલુકા સરીબાર, કોકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ પડી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ