UsaNews : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના ભવિષ્યને લઈને વૈશ્વિક રાજકારણમાં નવી હલચલ મચાવી છે. સોમવારે તેમણે નાટોના મહાસચિવ માર્ક રૂટ સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં ગ્રીનલેન્ડ (Greenland) મુદ્દે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં બેઠક યોજવાનો નિર્ણય લેવાયો. જોકે, બેઠકની તારીખ જાહેર કરવામાં આવી નથી.
ટ્રમ્પે જણાવ્યું કે ગ્રીનલેન્ડ (Greenland)અમેરિકાની રાષ્ટ્રીય તથા વૈશ્વિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે “શાંતિ શક્તિ દ્વારા જ શક્ય છે” અને યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે.
આ દરમિયાન ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક નકશો શેર કર્યો હતો, જેમાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને અમેરિકાનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો થયો છે.
નાટો ચીફ માર્ક રૂટે ટ્રમ્પને મોકલેલા ખાનગી સંદેશમાં સીરિયા, ગાઝા અને યુક્રેન મુદ્દે તેમના નેતૃત્વની પ્રશંસા કરી અને ગ્રીનલેન્ડ (Greenland)મુદ્દે મળીને આગળ વધવાની તૈયારી દર્શાવી. ટ્રમ્પે આ સંદેશ માટે રૂટનો આભાર માન્યો.
ગ્રીનલેન્ડમાં લશ્કરી ગતિવિધિઓ તેજ
ડેનમાર્ક સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ NORADનું લશ્કરી વિમાન ગ્રીનલેન્ડના પિટુફિક સ્પેસ બેઝ (થુલે એર બેઝ) તરફ મોકલ્યું છે. NORADએ સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી પૂર્વનિયોજિત હતી અને ડેનમાર્ક તથા ગ્રીનલેન્ડને તેની જાણ કરવામાં આવી હતી.
તેની સામે ડેનમાર્કે પણ ગ્રીનલેન્ડમાં વધારાના સૈનિકો અને લશ્કરી સાધનો તૈનાત કર્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે નાટો દેશો જમીન, હવા અને સમુદ્ર દ્વારા હાજરી મજબૂત કરશે, જે રાજકીય સંદેશ તરીકે જોવામાં આવે છે.
નાટોની મોટી યોજના, પરંતુ તાત્કાલિક અમલ નહીં
ડેનમાર્કના નેતૃત્વ હેઠળ ‘ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ’ ચાલી રહ્યું છે, જે ભવિષ્યમાં મોટા પાયે સૈન્ય તૈનાતીની શક્યતા પરખવા માટે છે. આગળ ચાલીને ‘ઓપરેશન આર્કટિક સેન્ટ્રી’ નામનું નાટો મિશન શરૂ કરવાની યોજના છે, પરંતુ તેમાં હજુ સમય લાગશે.
Greenlandનું કાનૂની સ્થાન
ગ્રીનલેન્ડ (Greenland)પાસે પોતાની સેના નથી અને તે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે. 2009ના સ્વ-સરકાર અધિનિયમ મુજબ, ગ્રીનલેન્ડ લોકમત દ્વારા સ્વતંત્રતા પસંદ કરી શકે છે, પરંતુ ડેનિશ સંસદની મંજૂરી જરૂરી રહેશે. નાટો સંધિ અનુસાર, કોઈ નાટો દેશ બીજા નાટો દેશ પર કબજો કરી શકતો નથી.
વેપાર યુદ્ધની આશંકા
ગ્રીનલેન્ડ મુદ્દે વિરોધ કરનાર આઠ દેશો પર ટ્રમ્પે 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે 1 ફેબ્રુઆરીથી લાગુ પડશે. તેના જવાબમાં યુરોપિયન યુનિયન અમેરિકા સામે કડક વેપાર પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે, જેમાં“વેપાર બાઝુકા” કાનૂની ઉપાયનો વિચાર થઈ રહ્યો છે.
Greenland કેમ મહત્વપૂર્ણ છે?
-
ઉત્તર અમેરિકા અને યુરોપ વચ્ચેનું વ્યૂહાત્મક સ્થાન
-
મિસાઇલ ચેતવણી અને આર્કટિક સુરક્ષા માટે મહત્વ
-
રશિયા અને ચીનની વધતી હાજરી સામે કાઉન્ટર
-
દુર્લભ ખનિજો અને ઊર્જા સંસાધનો
-
આર્કટિક બરફ પીગળવાથી ખુલતા નવા દરિયાઈ વેપાર માર્ગો
ગ્રીનલેન્ડ હવે માત્ર એક દ્વીપ નથી, પરંતુ વૈશ્વિક શક્તિ સંતુલનનું કેન્દ્ર બની રહ્યું છે.
