પ્રિ-મોન્સૂન એક્ટિવિટી/ ગુજરાતના આ જીલ્લામાં વીજળી પડતા બે યુવકના મોત, એક ઘાયલ

ગુજરાતના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં વીજળી પડવાની પહેલી ઘટના અને મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Gujarat Others
વીજળી

ગુજરાતના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં વીજળી પડવાની પહેલી ઘટના અને મોત થયા હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં વીજળી પડતા બે યુવકના મોત નીપજ્યાં છે. લીંબડીના જાંબુ-નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. જાંબુ અને નાની કઠેચી બન્ને ગામમાં વીજળી પડતા કુલ બે વ્યક્તિના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 8મી જૂનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા.

બાઈક પર જતા યુવક પર વીજળી પડી હતી, તે ઘટના એક સ્થાનિકના મોબાઈલમાં કેદ થઈ છે. વીજળીના કડાકા સાથે ખુલ્લા મેદાનમાં વીજળી તૂટી પડી હતી, જે કેમેરામાં કેદ થઈ છે. જાંબુ ગામના 23 વર્ષીય યુવકનુ મોત નિપજતા ચકચાર મચી ગઈ છે, તો યુવકના પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા, મૂળી અને ચુડા તાલુકાના વાતાવરણમાં મંગળવારે અચાનક બપોરના સમયે પલટો આવ્યો હતો. જે બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરેન્દ્રનગરના લીંબડી,સાયલા, મુળી અને ચુડા સહિતના વિસ્તારોમાં વરસાદથી આગોતરા વાવેતરને ફાયદો થવાની આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો:PM મોદી મુસ્લિમ દેશોની વાત સાંભળે છે,પરંતુ ભારતના મુસ્લિમોને નહીં : અસદુદ્દીન ઓવૈસી

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દુદાપૂર ગામની સીમમાં બાળક બોરવેલ ફસાયું અને પછી…..

આ પણ વાંચો:અખિલેશ યાદવે કાકા શિવપાલને આપ્યો વધુ એક મોટો ઝટકો, શું બે ભાગ થઈ ગયા?