UK Grooming Gangs: બ્રિટનમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા ‘ગ્રુમિંગ ગેંગ્સ’ કૌભાંડ (UK Grooming Gangs)નો મુદ્દો ફરી એકવાર બ્રિટિશ સંસદમાં ગુંજ્યો છે. બ્રિટિશ સાંસદ રુપર્ટ લોવે સંસદમાં આપેલા ભાષણ દરમિયાન પીડિતાઓના નિવેદનોના આધારે અનેક ગંભીર અને હૃદયદ્રાવક દાવાઓ રજૂ કર્યા, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ છે.
UK Grooming Gangs: ગ્રુમિંગ ગેંગ્સ પર મોટો ખુલાસો
સાંસદ લોવે જણાવ્યું કે, તેમની આગેવાની હેઠળ કરવામાં આવેલી એક ખાનગી તપાસમાં બ્રિટનના અનેક વિસ્તારોમાં ગેંગ આધારિત બાળ જાતીય શોષણના કેસો સામે આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, આ કેસોમાં સગીરાઓને લાંબા સમય સુધી માનસિક અને શારીરિક રીતે શોષણનો ભોગ બનવું પડ્યું હતું.
સંસદમાં વાંચવામાં આવેલા કેટલાક નિવેદનોમાં પીડિતાઓએ વર્ષો સુધી ચાલેલા અત્યાચાર અને ડરામણા અનુભવોનું વર્ણન કર્યું હતું. કેટલીક પીડિતાઓએ આરોપ મૂક્યો કે તેઓને ડરાવી, લલચાવી અથવા દબાણ હેઠળ રાખવામાં આવતી હતી. અન્ય કેટલાક નિવેદનોમાં ગેંગ દ્વારા સગીરાઓને એકાંતમાં રાખવા અને સતત શોષણ કરવાનો આરોપ મૂકાયો હતો.
સાંસદે પોતાના ભાષણમાં પોલીસ અને આરોગ્ય તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક પીડિતાઓના જણાવ્યા મુજબ, તેઓએ મદદ માટે પ્રયાસ કર્યા છતાં સમયસર યોગ્ય કાર્યવાહી થઈ નહોતી. જેના કારણે આરોપીઓ લાંબા સમય સુધી સક્રિય રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
‘ગ્રુમિંગ ગેંગ્સ’ (UK Grooming Gangs) શબ્દ બ્રિટનમાં એવા કેસો માટે વપરાય છે જેમાં અસુરક્ષિત અથવા નબળા બાળકોને લલચાવી, ડરાવી અથવા દબાણ કરીને લાંબા સમય સુધી શોષણ કરવામાં આવે છે. રોધરહામ, રોશડેલ અને ઓલ્ડહેમ જેવા વિસ્તારોમાં અગાઉ થયેલી તપાસો પછી આ મુદ્દો સમગ્ર બ્રિટનમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સાંસદ રુપર્ટ લોવે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જાહેર થનારો સ્વતંત્ર તપાસ અહેવાલ સમગ્ર બ્રિટનમાં મોટી અસર પેદા કરી શકે છે. તેમણે સરકાર અને તમામ સાંસદોને બાળ સુરક્ષા માટે કડક અને ઝડપી પગલાં લેવા અપીલ કરી છે.
આ પણ વાંચો:બ્રિટનમાં કિર સ્ટાર્મર વિરુદ્ધ 72 સાંસદોનો બળવો, ગૃહમંત્રી શબાના મહમૂદે માંગ્યું રાજીનામું
આ પણ વાંચો:એપસ્ટીન કનેક્શન વિવાદ વચ્ચે બ્રિટનના PM સ્ટાર્મરનો ઇનકાર, કહ્યું હું પદ નહીં છોડું
આ પણ વાંચો:બ્રિટનમાં જાતિવાદી ટિપ્પણીઓ કરી ભારતીય મૂળની મહિલા પર દુશકર્મ આચર્યુ
