ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા દરમિયાન રાજ્યના 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 16 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે તેમજ 7 તાલુકામાં 2 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે મેઘરાજાની શાનદાર બેટિંગ અવિરત રીતે ગુજરાતમાં જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે અનેક વિસ્તારમોમાં પાણી ભરાઇ ગયા હતા . સરકારી દફતરાના આંકડા મુજબ છોટા ઉદેપુર તાલુકાના પાવી જેતપુરમાં સૌથી વધુ સવા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના બોડેલી તાલુકામાં સાડા 7 ઈંચ, છોટા ઉદેપુર તાલુકામાં 4 ઈંચ, સંખેડામાં સાડા 3 ઈંચ અને નસવાડીમાં દોઢ ઈંચ, વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં પોણા 6 ઈંચ, વડોદરાના શિનોરમાં સવા 3 ઈંચ, ડભોઈમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.નર્મદા જિલ્લાના તિકલવાડા તાલુકામાં સૌથી વધુ પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
નોંધનીય છે કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. પાવી જેતપુરના નાના બજાર, સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભારે વરસાદના કારણે ઓરસંગ અને ઢાંઢર નદીમાં પાણીનું જળ સ્તર વધતા 30થી વધુ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.