Vadodara News:ACBએ ક્રિસમસના દિવસે વડોદરામાં એક મોટી અને સફળ લાંચની ટ્રેપ ગોઠવીને એક પ્રજાજનને રંગે હાથે પકડી પાડ્યો છે. આરોપીએ વારસિયા પોલીસ સ્ટેશનના PIના નામે ફરિયાદ નોંધાવવા માટે રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી, જેમાંથી અડધી રકમ રૂ. 2.50 લાખ લેતી વેળાએ તેને ઝડપી લેવામાં આવ્યો.આરોપીની ઓળખ સુરેશ રામચંદ તોલાણી તરીકે થઈ છે, જે ગોકુલનગર સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ, વડોદરામાં (Vadodra) રહે છે. તે પોતાને પ્રજાજન તરીકે ઓળખાવતો હતો અને વિવિધ કામોમાં મધ્યસ્થી કરતો હોવાનું કહેવાય છે.
ACBની મોટી કાર્યવાહી

ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમની વારસિયા વિસ્તારમાં સર્વે નં. 329ની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા અવૈધ બાંધકામ (Illegal construction) થઈ રહ્યું હતું. આ અંગે તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.આ કેસમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાવવા માટે આરોપી સુરેશ તોલાણીએ વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબના નામે રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી.
આરોપીએ કહ્યું હતું કે ફરિયાદ નોંધાવતા પહેલા રૂ. 2.50 લાખ અને ફરિયાદ નોંધાયા બાદ બાકીના રૂ. 2.50 લાખ આપવાના રહેશે. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને ACBનો સંપર્ક કર્યો.25 ડિસેમ્બર 2025ના રોજ ACBએ ચોખંડી વિસ્તારમાં આવેલી આરોપીની ‘અનુભવ એન્ટરપ્રાઇઝ’ નામની દુકાનમાં ટ્રેપ ગોઠવી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી અને રૂ. 2.50 લાખની રકમ સ્વીકારી લીધી. તે જ વખતે ACBની ટીમે તેને રંગે હાથે પકડી પાડ્યો અને પૂરી રકમ રિકવર કરી લીધી.
